નવી દિલ્હી :આજે મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડને પડકારતી અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ આ કેસની સીધી સુનાવણી નહીં કરે. તમે પહેલા હાઈકોર્ટમાં જાઓ. સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનને પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ નથી જતા ? હેમંત સોરેન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલો એવા મુખ્યપ્રધાન સાથે સંબંધિત છે જેમની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતો બધા માટે ખુલ્લી છે અને હાઈકોર્ટ બંધારણીય અદાલત છે.
અગાઉ ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટે ઝારખંડ મુક્તિ મોરચા (JMM) નેતા હેમંત સોરેનની અરજીની સુનાવણી માટે ત્રણ ન્યાયાધીશોની વિશેષ બેંચની રચના કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની બેંચ જેલમાં બંધ JMM નેતા હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટની અપડેટેડ કોઝ લિસ્ટ અનુસાર વિશેષ બેંચની રચના ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી છે. તેમણે દિવસ દરમિયાન આ સંદર્ભમાં ટિપ્પણી કરી હતી, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ હેમંત સોરેનની અરજીની સુનાવણી માટે આ બાબતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે વકીલોને ખાતરી આપી હતી કે તેમણે સંબંધિત અરજીને શુક્રવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.
ઝારખંડ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ અનુભા રાવત ચૌધરી ગુરુવારના રોજ સવારે 10.30 વાગ્યે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરવાના હતા. પરંતુ સિબ્બલ અને સિંઘવીએ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચને કહ્યું કે, સંબંધિત અરજી હાઈકોર્ટમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. ત્યારબાદ ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, અમે કાલે તેને સૂચિબદ્ધ કરીશું.
ઝારખંડના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ હેમંત સોરેનની બુધવારે રાત્રે ધરપકડ થઈ હતી.આ કેસમાં હેમંત સોરેને તેમની ધરપકડને પડકારતા સૌપ્રથમ ઝારખંડ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસમાં સાત કલાકની પૂછપરછ બાદ બુધવારે હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી.
- Human Organ Transplant Act : હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ લાગુ કરવાની માંગ કરતી અરજી પર કેન્દ્ર-રાજ્યોને નોટિસ
- AMU Minority Status: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો