નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા 2024 રદ કરવા અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની અરજી પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીને (NTA) નોટિસ જારી કરી છે. અરજીકર્તાઓએ NEET પરીક્ષા 2024માં કથિત અનિયમિતતા અંગે ફરિયાદ કરી છે. સાથે જ આ સમગ્ર મામલાની SIT દ્વારા તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે પેપર લીકનો આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સોમવારે અનેક વિદ્યાર્થી સંગઠનોએ જોરદાર દેખાવ કર્યા હતા.
NTA ને નોટિસ :જસ્ટિસ વિક્રમનાથ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની અવકાશ બેન્ચે NTAને કહ્યું કે, પરીક્ષાની અખંડિતતાને અસર થઈ છે. તેથી બેંચ નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસેથી જવાબ માંગે છે. અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ મેથ્યુસ જે. નેદુમપરાએ બેન્ચને કાઉન્સેલિંગ પ્રક્રિયા પર રોક લગાવવા વિનંતી કરી હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે કાઉન્સેલિંગ પ્રક્રિયા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો અને કેસની સુનાવણી 8 જુલાઈએ નક્કી કરી હતી.
અરજદારનો આક્ષેપ :બેન્ચે ટિપ્પણી કરી હતી કે, કાઉન્સેલિંગ શરૂ થવા દો, અમે કાઉન્સેલિંગ બંધ નથી કરી રહ્યા. સુપ્રીમ કોર્ટ આ વર્ષે કથિત પેપર લીક અને અન્ય અનિયમિતતાઓને લઈને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - અંડરગ્રેજ્યુએટ (NEET-UG) 2024 પરીક્ષાને રદ કરવા માટેની અરજીની સુનાવણી કરી રહી હતી. પેપર લીક ઉપરાંત NEET-UG ઉમેદવારોએ ગ્રેસ માર્ક્સ આપવામાં અનિયમિતતાનો પણ આક્ષેપ કર્યો છે.
શું હતો મામલો ? જણાવી દઈએ કે, 5 મેના રોજ લેવાયેલ NEET UG 2024 પેપર લીક અને અનિયમિતતાનો આરોપ લગાવી પરીક્ષાના પરિણામ પાછા ખેંચવાની અને પરીક્ષા નવેસરથી આયોજિત કરવા માટે ઘણી અરજી દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, NTAએ કોઈપણ અનિયમિતતાનો ઇનકાર કર્યો છે. NTA દ્વારા લેવામાં આવતી NEET-UG પરીક્ષા એ દેશભરની સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS અને આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનો માર્ગ છે. અરજીકર્તાઓએ NEET-UG 2024 પરીક્ષામાં ગ્રેસ માર્કસ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કર્યો છે.
NEET-UG 2024 પરીક્ષા પર સુપ્રીમ કોર્ટની સુનાવણી પર પ્રતિક્રિયા આપતા ફિઝિક્સવાલાના CEO અલખ પાંડેએ કહ્યું, 'સ્પેશિયલ લિસ્ટેડ કેસની સુનાવણી પરિણામો પહેલાં થઈ હતી. અહીંના વિદ્યાર્થીઓ પેપર લીકને લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે, ગ્રેસ માર્કસ કે અન્ય કંઈપણ વિશે નહીં. કારણ કે પરિણામ પહેલા આ 1 જૂને સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું. અમારી PIL આવતીકાલે સૂચિબદ્ધ થશે. તે પેપર લીક તેમજ ગ્રેસ માર્કસ, NTAની પારદર્શિતા અને અન્ય તમામ બાબતો વિશે છે.
આજની યાદી માટે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. મતલબ કે ક્યાંક ને ક્યાંક તેમને એવું પણ લાગે છે કે પરીક્ષામાં કોઈક પ્રકારની ગેરરીતિ થઈ છે. NTAને 8 જુલાઈ પહેલા જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો નથી.
- ગોધરામાં NEET પરીક્ષામાં ગેરરીતિના આરોપીઓ સામે ગુનો નોંધાયો, પરશુરામ રોય સહિત બે ફરાર આરોપીઓની ધરપકડ
- "શિક્ષણ વિભાગના આશીર્વાદથી શિક્ષણ જગતને લાંછન લાગ્યું", NEET પેપર લીક મામલે કોંગ્રેસ પ્રવક્તાએ ગંભીર આક્ષેપ કર્યા