હૈદરાબાદ : સંધ્યા થિયેટરમાં નાસભાગ ઘટનાની તપાસ તેજ થઈ છે. સોમવારની સાંજે ચિક્કડપલ્લી પોલીસે અલ્લુ અર્જુનને આ મામલે તપાસ માટે સમન્સ મોકલ્યા હતા. આ સંદર્ભે મંગળવારે સવારે 11 વાગ્યે અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આ પહેલા મીડિયાએ તેમને ઘરની બહાર નીકળતી વખતે કેમેરામાં કેદ કરી લીધા હતા. આ કેસમાં હાઈકોર્ટે અલ્લુ અર્જુનને આ મહિનાની 30મી તારીખ સુધી જામીન આપ્યા છે.
સંધ્યા થિયેટર કેસ મામલે પૂછપરછ :સંધ્યા થિયેટર કેસની તપાસના ભાગરૂપે થનારી પૂછપરછ માટે અલ્લુ અર્જુન મંગળવારે જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના ઘરેથી પોલીસ સ્ટેશન જતા પહેલા પત્ની સ્નેહા અને પુત્રીને મળ્યા હતા. આ પહેલા વકીલોનું એક ગ્રુપ અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યું અને બેઠક માટે ઘરમાં પ્રવેશતી વખતે એક ફોલ્ડર અને બેગ લઈને જોવા મળ્યા હતા. વકીલો સાથે અલ્લુ અર્જુનની ચર્ચા મોડી રાત સુધી ચાલી હતી.
ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા અલ્લુ :ANI ના અહેવાલ અનુસાર હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને સંધ્યા થિયેટરની ઘટનાના સંબંધમાં હાજર થવા માટે નોટિસ પાઠવી હતી. આ સંબંધમાં અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને અંદર જતા પહેલા તેમણે ત્યાં હાજર અધિકારીઓનું હાથ જોડી અભિવાદન કર્યું હતું.
અલ્લુ અર્જુનના ઘર પર હુમલો :22 ડિસેમ્બરના રોજ લોકોના એક જૂથે અલ્લુ અર્જુનના ઘર પર હુમલો કર્યો હતો. આ લોકો સંધ્યા થિયેટર કેસમાં રેવતી નામની મહિલાના મોત માટે ન્યાયની માંગ કરી રહ્યા હતા. હૈદરાબાદના DCP પશ્ચિમ ઝોનના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ સુરક્ષા કર્મચારીઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. પોલીસે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC)નો ભાગ હોવાનો દાવો કરતા 6 લોકોની અટકાયત કરી છે. જોકે બાદમાં તેમને જામીન મળી ગયા હતા.
- જેલથી પરત ફરતા 'પુષ્પરાજ' ભેટીને રડી પડી પત્ની સ્નેહા: અલ્લુ અર્જુને કહ્યું "હું ઠીક છું"
- જેલમાં રાત વિતાવ્યા બાદ મુક્ત થયા અલ્લુ અર્જુન, હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન