નવી દિલ્હીઃ સંસદ સત્રના બીજા દિવસે 18મી લોકસભા માટે ચૂંટાયેલા સાંસદોએ શપથ ગ્રહણ કરી રહ્યા હતા. દરમિયાન હૈદરાબાદના સાંસદ અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં શપથ લેતી વખતે જય ફિલીસ્તાન બોલ્યા ત્યારે ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો.
હૈદરાબાદથી સતત 5મી વખત ચૂંટાયેલા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે 18મી લોકસભાના સભ્ય તરીકે ઉર્દૂમાં શપથ લીધા હતા. તેણે છેલ્લે જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય ફિલીસ્તાન કહ્યું. ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લીધા બાદ અલ્લાહ-ઓ-અકબરના નારા પણ લગાવ્યા હતા.
આ પછી ભાજપના સાંસદોએ વિરોધ નોંધાવ્યો અને કાર્યવાહીમાંથી 'જય ફિલીસ્તાન' શબ્દો હટાવવાની માંગ કરી. ભાજપના સાંસદોના વિરોધ બાદ પ્રોટેમ સ્પીકરે કહ્યું કે જો ઓવૈસીના શપથ ભાષણમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવશે તો તેને કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવશે.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે અમારી પેલેસ્ટાઈન કે અન્ય કોઈ દેશ સાથે કોઈ દુશ્મની નથી. શપથ લેતી વખતે કોઈ સભ્ય માટે બીજા દેશની પ્રશંસામાં નારા લગાવવા યોગ્ય છે કે કેમ, આપણે આ માટેના નિયમો જોવા પડશે.
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે 'જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય ફિલીસ્તાન' કહેવું કેવી રીતે બંધારણની વિરુદ્ધ છે, બંધારણની જોગવાઈઓ બતાવો. જ્યારે બીજેપી સાંસદ અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ વિરોધ કર્યો તો ઓવૈસીએ કહ્યું કે વિરોધ કરવાનું તેમનું કામ છે.
અસદુદ્દીન ઓવૈસી આ વખતે હૈદરાબાદ લોકસભા સીટ પરથી 3 લાખથી વધુ મતોના અંતરથી જીત્યા છે. તેમણે ભાજપના ઉમેદવાર માધવી લતાને હરાવ્યા અને સતત 5મી વખત સાંસદ બન્યા. લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા બાદ ઓવૈસીએ X પર વિડિયો શેર કર્યો અને લખ્યું કે, તેઓ સંસદમાં ઈમાનદારીથી ભારતના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના મુદ્દા ઉઠાવતા રહીશ.
અસદુદ્દીન ઓવૈસીના 'જય ફિલીસ્તાન' બોલવા પર કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, તેઓ બિલકુલ ખોટા છે. આ ગૃહના નિયમોની વિરુદ્ધ છે. ભારતમાં રહીને તેઓ 'ભારત માતા કી જય' બોલતા નથી. લોકોએ સમજવું જોઈએ કે તેઓ દેશમાં રહીને ગેરબંધારણીય કામ કરી રહ્યા છે.
- EVMમાં નહી, હિંદુઓના મગજમાં થઈ છેડછાડ: ઓવૈસી
- ઓવૈસીનું વિવાદીત નિવેદન, દિલ્હીની ચૂંટણી બાદ જલિયાવાળા બાગ બનશે શાહીન બાગ