નવી દિલ્હી : રાજ્યસભા પેટાચૂંટણી માટે મતદાન પહેલા જ ભાજપ-NDA ના 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે NDA ગૃહમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે. મંગળવારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ હતી. તમને જણાવી દઈએ કે, આ પરિણામો 9 રાજ્યોની 12 સીટ પર પેટાચૂંટણી પહેલા જ આવી ગયા છે.
રાજ્યસભાની પેટાચૂંટણી :તમામ વિજેતા ઉમેદવારોએ આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશામાં એક-એક બેઠક જીતી છે. તેમાંથી ભારતીય જનતા પાર્ટીના 9, કોંગ્રેસમાંથી એક, NCP (અજિત પવાર)ના એક અને રાષ્ટ્રીય લોક મોરચાના એક ઉમેદવાર ચૂંટાયા છે. આ સ્થિતિમાં નવ ઉમેદવારો સાથે ભાજપની સંખ્યા વધીને 96 થઈ ગઈ છે. જો NDA જોડી દેવામાં આવે તો આ આંકડો 112 સુધી પહોંચે છે.
NDAને મળી બહુમતી :માહિતી અનુસાર, 245 સભ્યો ધરાવતા સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં હજુ પણ 8 બેઠકો ખાલી છે. આમાં, જમ્મુ અને કાશ્મીરમાંથી ચાર-ચાર બેઠકો અને નામાંકિત સભ્યો છે. એકંદરે, રાજ્યસભામાં બહુમતીનો આંકડો 119 સભ્યોનો છે. તમને જણાવી દઈએ કે, NDA પાસે છ નામાંકિત અને એક અપક્ષનું સમર્થન છે. આવી સ્થિતિમાં NDA બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરી લીધો છે.
ભાજપના 9 ઉમેદવારો બિનહરીફ :સમયમર્યાદા સમાપ્ત થયા બાદ કેન્દ્રીય રાજ્યમંત્રી રવનીતસિંહ બિટ્ટુને રાજસ્થાનથી રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. એ જ રીતે હરિયાણામાંથી ભાજપના ઉમેદવાર કિરણ ચૌધરી, મધ્યપ્રદેશમાંથી કેન્દ્રીયમંત્રી જ્યોર્જ કુરિયન અને બિહારમાંથી NDA ઉમેદવાર ઉપેન્દ્ર કુશવાહા અને ભાજપના મનન કુમાર મિશ્રાને રાજ્યસભા પેટાચૂંટણીમાં બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. ઓડિશાથી ભાજપના ઉમેદવાર મમતા મોહંતી પણ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ અને ત્રિપુરાના ભટ્ટાચારજી ચૂંટાયા.
રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા પછી રાષ્ટ્રીય લોક મોરચા (RLM) પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પટનામાં મીડિયા સાથે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનતા કહ્યું કે, આ તેમના માટે સંસદમાં બિહારનો અવાજ ઉઠાવવાની તક છે.
રાજસ્થાનમાંથી રવનીત બિટ્ટુ બિનહરીફ જીત્યા :
રાજસ્થાનમાં રાજ્યસભાની પેટાચૂંટણી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી એક ભાજપના ડમી ઉમેદવાર હતા. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી. તપાસ દરમિયાન 22 ઓગસ્ટના રોજ અપક્ષ ઉમેદવાર બબીતા વાધવાણીનું નામાંકન પત્ર રદ કરવામાં આવ્યું હતું. ભાજપના ડમી ઉમેદવાર સુનીલ કોઠારીએ શુક્રવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લેતા પેટાચૂંટણીમાં રવનીત સિંહ બિટ્ટુ એકમાત્ર ઉમેદવાર તરીકે રહ્યા.
રાજસ્થાન વિધાનસભાના મુખ્ય સચિવ અને ચૂંટણી અધિકારી મહાવીર પ્રસાદ શર્માએ મંગળવારે રવનીતસિંહ બિટ્ટુને બિનહરીફ વિજયી જાહેર કરીને પ્રમાણપત્ર એનાયત કર્યું. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જોકે, કોંગ્રેસે રાજ્યસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારો ન ઉભા રાખવાનો નિર્ણય લીધો હતો.