શ્રીનગર: પુલવામા આતંકી હુમલામાં ધરપકડ કરાયેલા એક આરોપીનું જમ્મુની હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું જાણવા મળે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે પુલવામા જિલ્લાના હાજીબલ ગામના રહેવાસી 27 વર્ષીય બિલાલ અહેમદ કુચેનું સોમવારે સાંજે મૃત્યુ થયું હતું. બિલાલના નાના ભાઈ યુનિસ અહેમદ કુચેએ જણાવ્યું કે બિલાલ કિશ્તવાડ જિલ્લા જેલમાં બંધ હતો અને છેલ્લા એક મહિનાથી કિડની ફેલ્યોરથી પીડિત હતો. એક અઠવાડિયા પહેલા તેને જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
પુલવામા હુમલામાં બિલાલ કુચેની ધરપકડ: ફેબ્રુઆરી 2019 માં, જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 40 અર્ધલશ્કરી જવાનો શહીદ થયા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પુલવામા હુમલામાં કથિત સંડોવણી બદલ જુલાઇ 2020 માં બિલાલ કુચેની ધરપકડ કરી હતી. NIA અનુસાર, જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કરવાની યોજના બનાવી હતી. 2020 માં લગ્નના થોડા મહિના પછી બિલાલની ધરપકડ કરવામાં આવી હતી. તેના પરિવારમાં ત્રણ વર્ષનો પુત્ર અને તેની પત્ની છે. તેના પિતા ગુલામ નબી કુચાયનું ગયા વર્ષે મૃત્યુ થયું હતું જ્યારે બિલાલ જેલમાં હતો, એમ તેના ભાઈએ જણાવ્યું હતું.
19 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ: ઓગસ્ટ 2020માં, NIAએ પુલવામા હુમલાના 19 આરોપીઓ વિરુદ્ધ વિશેષ અદાલતમાં 13,800 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. NIAએ ચાર્જશીટમાં કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કાકપોરા આતંકવાદી આદિલ અહમદ ડારે CRPF કાફલાની બસને IED ભરેલી કારથી ટક્કર મારી હતી, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. 19 આરોપીઓમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર અને અન્ય જૈશ આતંકવાદીઓનો સમાવેશ થાય છે.