ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડમાં PM મોદીની ચૂંટણી રેલી, વિપક્ષ પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા - Lok Sabha Election 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 પ્રચાર અર્થે ઝારખંડમાં છે. અહીં દુમકામાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિપક્ષ પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

ઝારખંડમાં PM મોદીની ચૂંટણી રેલી
ઝારખંડમાં PM મોદીની ચૂંટણી રેલી (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 28, 2024, 5:18 PM IST

ઝારખંડ : લોકસભા ચૂંટણી 2024 પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના પ્રવાસે છે. અહીં દુમકામાં ચૂંટણી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ દુમકાથી સીતા સોરેન, ગોડ્ડાથી નિશિકાંત દુબે અને રાજમહેલથી તાલા મરાંડીને વિજયી બનાવવાની અપીલ કરતાં કહ્યું કે, તેમને મળેલા દરેક મતથી તેમની દિલ્હી સરકાર મજબૂત થશે, જે દિવસ-રાત ગરીબો, આદિવાસીઓ અને પછાત લોકો માટે કામ કરે છે.

વિપક્ષ પર નિશાન સાધ્યું :દુમકામાં રેલી સંબોધિત કરતા પીએમ મોદીએ રાજ્યની JMM-કોંગ્રેસ-RJD સરકાર પર લૂંટનું શાસન જાળવી રાખવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, 4 જૂન પછી તેમની નવી સરકાર બન્યા બાદ લુટારુઓ અને ભ્રષ્ટાચારીઓ સામેની કાર્યવાહી તેજ કરવામાં આવશે. ઝારખંડ સુંદર પહાડોનું રાજ્ય છે, પરંતુ આજે આ પ્રાકૃતિક પર્વતોને બદલે ચલણી નોટોના પહાડોની ચર્ચા થઈ રહી છે. કેટલીક જગ્યાએ 29 કરોડ અને 350 કરોડ રૂપિયાની નોટોના પહાડ જોવા મળી રહ્યા છે. આ દારૂ કૌભાંડ, ટેન્ડર કૌભાંડ, ખનીજ કૌભાંડના પૈસા છે.

કૌભાંડોના મામલે વિપક્ષને ઘેર્યું :ઝારખંડમાં થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, માત્ર સાહિબગંજ જિલ્લામાં 1000 કરોડ રૂપિયાનું માઇનિંગ કૌભાંડ થયું હતું. JMM ના લોકોએ આદિવાસી, ગરીબો અને સૈન્યની પણ જમીન લૂંટી લીધી. તે એટલો બેશરમ હતા કે તેમણે જમીન લૂંટવા માટે પોતાના માતા-પિતાના નામ પણ બદલી નાખ્યા. અમે ગરીબો માટે રાશન મોકલ્યું, JMM ના લોકોએ તેને લૂંટી લીધું અને કાળાબજારમાં વેચી દીધું. જલ જીવન મિશન હેઠળ દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાની યોજનાના નાણાંની લૂંટ કરવામાં આવી હતી. જનતાએ ઝારખંડને આવા લોકોથી મુક્ત કરાવવું પડશે.

કોંગ્રેસ શાસન પર આરોપ :પીએમ મોદીએ કહ્યું કે, 2014 પહેલા દેશમાં કોંગ્રેસના કુશાસન હેઠળ દરરોજ કૌભાંડો થતા હતા. તેમનો એક જ એજન્ડા હતો - ગરીબોના નામે પૈસા લૂંટો. અમે તે બંધ કરાવ્યું. હવે જનતાના પૈસાનો ઉપયોગ જનહિતમાં થઈ રહ્યો છે. અમે ચાર કરોડ ગરીબોને કાયમી ઘર આપ્યા, ગરીબ માતા-બહેનોને ગેસ સિલિન્ડર આપ્યા, દેશના દરેક ગામમાં વીજળી પહોંચાડી, ગામડાઓમાં રહેતા ગરીબ, આદિવાસી, દલિત અને પછાત પરિવારોને આનો સૌથી વધુ ફાયદો થયો. જેમને અગાઉની સરકાર પૂછતી પણ નહોતી, અમે તેમની પૂજા કરી, તેમનું જીવન બદલ્યું છે.

જ્યારે હું ગઠબંધનના લોકોનો ઘોર સાંપ્રદાયિક મુખોટો હટાવી દઉં છું, તો તેમને રાત્રે ઊંઘ નથી આવતી. તેઓ એલફેલ બોલીને મોદીની છબી ખરાબ કરે છે. પરંતુ તેઓ જેટલા કાદવ ફેંકશે, તેટલા જ કમળ ખીલશે. -- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મોદીની ગેરંટી :પીએમ મોદીએ કહ્યું કે, અમારી સરકારમાં છેલ્લા 10 વર્ષમાં જે કામ થયું છે તેને આગામી પાંચ વર્ષમાં આગળ લઈ જવાનું છે. ત્રણ કરોડ માતાઓ અને બહેનોને લખપતિ બનાવવાનો અમારો સંકલ્પ છે, 4 જૂન પછી નવી સરકાર બનતાની સાથે જ ગરીબો માટે વધુ ત્રણ કરોડ કાયમી મકાન બનાવવામાં આવશે. જે કોઈ પણ કાચા મકાનમાં રહે છે, તેઓ નામ-સરનામું લખીને મને મોકલો અને મારા તરફથી તેમને ખાતરી આપો કે તેમનું પાકું મકાન બનશે.

આદિવાસી સમાજને સાધ્યો :પીએમ મોદીએ કહ્યું કે, આદિવાસી સમાજ માટે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું કે, અમે આદિવાસી કલ્યાણ માટે બજેટમાં ચાર ગણો વધારો કર્યો છે. 400 થી વધુ એકલવ્ય નિવાસી શાળાઓ બનાવવામાં આવી રહી છે. ખનિજ ઉત્પાદક જિલ્લાના વિકાસ માટે ખાસ કાયદો બનાવ્યો છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ કોંગ્રેસે ભાજપની આદિવાસી કલ્યાણ યોજનાઓનો વિરોધ કર્યો હતો. તેમણે આદિવાસી ઇતિહાસને ક્યારેય સામે આવવા દીધો નથી. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આદિવાસી પુત્રીને હરાવવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી.

ઘૂસણખોરી મુદ્દે JMM પર પ્રહાર : સંથાલ પરગણામાં ઘૂસણખોરીની સમસ્યાને મોટો પડકાર ગણાવતા પીએમ મોદીએ કહ્યું કે, JMM સરકારની ઉશ્કેરણી પર ઘૂસણખોરોએ આદિવાસી સમાજ અને સંસ્કૃતિ પર હુમલો કર્યો છે. ઘણા વિસ્તારોમાં આદિવાસીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ઘૂસણખોરો દ્વારા તેમની જમીન પર કબજો કરવામાં આવી રહ્યો છે. દીકરીઓની સલામતી જોખમમાં છે. દીકરીઓના 50 ટુકડા કરીને હત્યા કરવામાં આવી રહી છે. અહીંની JMM સરકાર આદિવાસી દીકરીઓને નિશાન બનાવનારાઓને પોષી રહી છે.

ઈન્ડિયા ગઠબંધન પર હુમલો :ઈન્ડિયા ગઠબંધન પર હુમલો કરતા PM મોદીએ કહ્યું કે, તેમની ફોર્મ્યુલા છે કે ઘોર સાંપ્રદાયિક રાજનીતિ કરો, તુષ્ટિકરણ કરો, અલગતાવાદીઓને રક્ષણ આપો. તેઓએ સંથાલ પરગણા જિલ્લામાં રવિવારની જગ્યાએ શુક્રવારની રજા લાગુ કરી. આ ગઠબંધનની રાષ્ટ્રવિરોધી રાજનીતિનું ખતરનાક ઉદાહરણ છે. મોદી તેમના નફરતી પ્રોપગેન્ડાને નિષ્ફળ બનાવીને જ ઝંપશે.

ધર્મના આધારે આરક્ષણ મુદ્દે ફરી ગર્જ્યા :પીએમ મોદીએ કહ્યું કે, ઇન્ડિયા ગઠબંધન મુસ્લિમોને ધર્મના આધારે આરક્ષણ આપી રહ્યાં છે. આવું કર્ણાટકમાં થયું છે. આ લોકો SC, ST અને OBC ને આપવામાં આવેલ આરક્ષણ છીનવી લેવા માંગે છે. પરંતુ આ લોકો ધ્યાનથી સાંભળી લે કે મોદી આવું નહીં થવા દે. અનામત અને બંધારણની રક્ષા માટે મોદી પોતાના જીવનની બાજી લગાવશે. જ્યાં સુધી મોદી જીવિત છે, ત્યાં સુધી દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગોનું અનામત છીનવીને વોટ જેહાદ કરનારાઓને આપવા દેશે નહીં.

ઝારખંડની જનતાને ગેરંટી :પીએમ મોદીએ કહ્યું કે, તેમની સરકાર ઝારખંડ અને સંથાલ પરગણામાં વિકાસના નવા આયામો બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દેવઘરમાં એઈમ્સ અને એરપોર્ટ, સાહિબગંજમાં ગંગા નદી પરનો પુલ, મલ્ટી મોડલ ટર્મિનલ, સાહિબગંજ-મનિહારી ફોર લેન, મેડિકલ કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય જેવા પ્રયાસોને કારણે અહીંના લોકો આગળ વધશે. આવનારા દિવસોમાં લોકોનું જીવન અદ્ભુત હશે.

  1. અમિત શાહની તાબડતોડ જાહેરસભા, સપા-કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું- રાહુલ 40 પાર નહીં કરી શકે...
  2. રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને મીસા ભારતીએ પટનામાં લંચ ટેબલ પર પીએમ નરેન્દ્ર મોદી વિશે ચર્ચા કરી

ABOUT THE AUTHOR

...view details