નવી દિલ્હી(ANI): ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવવાની હોય ત્યારે વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવતા હોય છે. તેઓ આ તણાવમાંથી દૂર રહે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 'પરીક્ષા પે ચર્ચા' ની બહુપ્રતિક્ષિત 8મી આવૃતિ પ્રસારિત થવા માટે તૈયાર છે.
36 વિદ્યાર્થીઓની પસંદગી:'પરીક્ષા પે ચર્ચા'ની 8મી આવૃતિ સોમવારે સવારે 11 વાગ્યે શરુ થશે. જેમાં PM મોદી વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત ચિંતાને દૂર કરવા માટેની યુક્તિઓ શીખવશે. PMએ રવિવારે કાર્યક્રમનું એક ટીઝર શેર કર્યું હતું. આ વર્ષે આ કાર્યક્રમમાં રાજ્ય/કેન્દ્રશાસિત બોર્ડ સરકારી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક શાળાઓ, એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ, CBSE અને નવોદય વિદ્યાલયોમાંથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. સમગ્ર દેશમાંથી 5 કરોડથી વધુ સહભાગીઓએ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
CM અમદાવાદની સ્કૂલમાં હાજર રહેશે:ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અપાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે અમદાવાદ ખાતે આવેલી વસ્ત્રાલ સ્થિત ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવા અને મૂલ્યવાન માર્ગદર્શન આપવા માટે હાજર રહેશે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 (વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ) ના 14.30 લાખ વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી માર્ગદર્શન મળશે. CM શાળા પરિસરમાં જ "પરીક્ષા પે ચર્ચા"નુ્ં લાઈવ પ્રસારણ નિહાળશે. તેમની સાથે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ હાજર રહેશે.
કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેશે:આ વર્ષે "પરીક્ષા પે ચર્ચા" વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આધ્યાત્મિક નેતા સદગુરુ, પ્રખ્યાત કલાકારો અને ઓલિમ્પિયન મેરી કોમ અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખારા જેવી રમતગમત ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ હાજર રહેશે. આ લાઈવ સત્રમાં PM મોદી દેશના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. તેમને માર્ગદર્શન પણ આપશે. ગુજરાતના વિવિધ શહેર અને જિલ્લાઓમાંથી કુલ 40.000 વાલીઓએ ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ પણ વાંચો:
- દિલ્હી વિધાનસભા ચૂંટણી પર PM નરેન્દ્ર મોદીનું શું છે રિએક્શનઃ કોના પર કર્યો ગર્વ?
- પીએમ મોદીની સંગમમાં શ્રદ્ધાની ડૂબકી; અમૃતસ્નાન છોડી આજે જ મહાકુંભમાં કેમ આવ્યા?