મુંબઈઃ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર પ્રસાદ પૂજારીને ચીનથી મુંબઈ લાવવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પ્રસાદ પૂજારી લગભગ 20 વર્ષથી ફરાર હતો અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, તેને શનિવારે સવારે ચીનથી ભારત લાવવામાં આવ્યો હતો. ગયા વર્ષે મુંબઈ પોલીસે પ્રસાદ પૂજારીના પ્રત્યાર્પણ માટે ચીન સાથે પેપરવર્ક શરૂ કરી દીધું હતું. પેપરવર્કનું પરિણામ એ આવ્યું કે ગેંગસ્ટર પ્રસાદ પૂજારી આજે ભારતમાં છે. મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે તેની સામે એકલા મુંબઈમાં જ 15થી વધુ કેસ નોંધાયેલા છે.
જાણો શું કહ્યુ ડીસીપીએ?: ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દત્તા નલાવડેએ જણાવ્યું કે ગેંગસ્ટર પ્રસાદ પૂજારીની મુંબઈ પોલીસે આજે સવારે 2.00 થી 2.30 વચ્ચે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે પ્રસાદ પૂજારી વિરુદ્ધ છેલ્લો કેસ વર્ષ 2020માં મુંબઈમાં નોંધાયો હતો. પોતાની સલામતી માટે પ્રસાદ પૂજારીએ એક ચીની મહિલા સાથે લગ્ન કર્યા છે, જેનાથી બંનેને એક પુત્ર છે. મુંબઈ પોલીસે માહિતી આપી હતી કે આ જ રીતે પ્રસાદ પૂજારીની માતાની પણ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા 2020માં ધરપકડ કરવામાં આવી હતી.