જમ્મુ: માતા વૈષ્ણોદેવી તીર્થસ્થળ પર પહોંચનારા ભક્તોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. શ્રાઈન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, સતત ત્રીજા વર્ષે 90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા હતા.
શ્રાઈન બોર્ડના સીઈઓ અંશુલ ગર્ગે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ જાણકારી મુજબ, માતા વૈષ્ણો દેવીની વાર્ષિક યાત્રા 2022 થી સતત ત્રીજા વર્ષે 90 લાખના આંકડાને વટાવી ગઈ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણોદેવી તીર્થસ્થળની મુલાકાત લે છે.
વૈષ્ણો દેવી એ દેશના સૌથી પવિત્ર અને પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાનું એક છે, અને આ મંદિરમાં ભક્તોની વધતી જતી સંખ્યા તેનું પ્રતિક છે. સવલતોમાં સુધારો કરવા માટે શ્રાઈન બોર્ડનો સક્રિય અભિગમ એ તમામ શ્રદ્ધાળુઓ માટે સલામત, વધુ આરામદાયક અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ પ્રવાસની ખાતરી કરવાનો છે.
અંશુલ ગર્ગે ભક્તોના અનુભવને વધારવા માટે રચાયેલ કેટલાક આગામી પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી છે. જેને 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં નવું વૈષ્ણવી ભવન પણ સામેલ છે. વધારાના આરામ માટે રહેવાની સુવિધા, ભીડ ઘટાડવા માટે બહાર નીકળવાના માર્ગો અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
માતા વૈષ્ણો દેવી મંદિરનો ઈતિહાસ જમ્મુ અને કાશ્મીરની ત્રિકુટા પહાડીઓમાં સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિર, હિન્દુ પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિકતામાં ખૂબ મહત્વ ધરાવે છે. દંતકથા અનુસાર આ મંદિર માતા વૈષ્ણો દેવીને સમર્પિત છે જે દેવી દુર્ગાના અવતાર છે.
તેઓ બ્રહ્માંડની દૈવી ઊર્જા (શક્તિ)નું પ્રતીક છે. આ મંદિરની કથા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે, માતા વૈષ્ણો દેવીએ તપ અને તપસ્યા કરતી વખતે ત્રિકુટા પર્વતમાળામાં નિવાસ કર્યો હતો.
આ મંદિરનો ઐતિહાસિક સંદર્ભ મહાભારતમાંથી મળે છે, જ્યાં અર્જુને યુદ્ધમાં વિજય માટે માતા વૈષ્ણો દેવીની પ્રાર્થના કરી હોવાનું માનવામાં આવે છે. આ મંદિર એક છુપી ગુફામાંથી વિકસાવવામાં આવ્યું છે અને આજે તે ભારતના સૌથી પ્રખ્યાત તીર્થસ્થાનોમાંનું એક બન્યું છે.
મંદિરના આધુનિક વિકાસની શરૂઆત 1986માં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની સ્થાપના સાથે થઈ હતી. ત્યારથી તેણે સુવિધાઓ, સુધારવા અને યાત્રાળુઓ માટે સલામત, સરળ અને આધ્યાત્મિક રીતે પરિપૂર્ણ અનુભવ સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી છે.
આ પણ વાંચો:
- ચારધામ બાદ હવે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં પણ થશે મોબાઈલ ફોન પર પ્રતિબંધ - Mobile Ban In Mansa Devi Temple
- વ્યાસપીઠ પર બિરાજમાન થઇ લોકશિક્ષક બન્યાં શિક્ષક સાગરભાઈ દવે, ભાવનગરમાં નિરાળી કથા જૂઓ - Bhavnagar Teacher