ઇમ્ફાલ: મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ઈમ્ફાલમાં રાજભવન ખાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું.
આજે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત
તમને જણાવી દઈએ કે બીરેન સિંહ થોડા સમય પહેલા જ બીજેપી સાંસદ સંબિત પાત્રા અને મણિપુર સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા બિરેન સિંહે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
વિધાનસભા સત્રના 1 દિવસ પહેલા છોડ્યું પદ
નોંધનીય છે કે, મણિપુર વિધાનસભાનું સત્ર આવતીકાલે એટલે કે 10 ફેબ્રુઆરી 2025થી શરૂ થવાનું હતું. વિપક્ષ મણિપુર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે, એન બિરેન સિંહને બે વર્ષ પહેલા બરતરફ કરી દેવા જોઈએ. આ અંગે કોંગ્રેસના નેતા આલોક શર્માએ કહ્યું, "દેશ તેમને ક્યારેય માફ નહીં કરે. મણિપુરના ધારાસભ્યોનો અંતરાત્મા જાગી ગયો છે. તેઓએ મજબૂરીમાં રાજીનામું આપ્યું છે."
તમને જણાવી દઈએ કે મણિપુરમાં હિંસા લાંબા સમયથી ગંભીર મુદ્દો હતો. રાજ્યમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વધી રહેલા તણાવને કારણે, હિંસક અથડામણમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જમીન, અનામત અને રાજકીય પ્રતિનિધિત્વને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો:
- છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી અથડામણ, 31 નક્સલીઓ ઠાર, 2 જવાન શહીદ બે ઈજાગ્રસ્ત
- દેવું કરીને ખેતી કરી અને ફુલાવરનું બમ્પર ઉત્પાદન થયું, છતાં ખેડૂતો પાક ઢોરને ફેંકી દેવા મજબૂર બન્યા