અમદાવાદ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7, મે ના દિવસે મતદાન છે. મતદાનને આડે હવે 15 દિવસો રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી પ્રકાશિત થઇ છે.
સોનિયા-રાહુલ - પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કરશે પ્રચાર:કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરવા માટે તેમના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા ગાંધી સાથે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડકેનો સમાવેશ થાય છે. સુરતમાં શુક્રવારે કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા કોંગ્રેસે મતદાન પહેલા જ એક બેઠક ગુમાવી છે. ત્યારે ગુજરાતની બાકીની 25 બેઠકો પર કોંગ્રેસ પોતની હાજરી નોંધાવવા અને બે ચૂંટણી બાદ ત્રીજી ચૂંટણીમાં ખાતુ ખોલાવવા માટે સંઘર્ષ કરી રહી છે. હાલ રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી બે બેઠકો પર આપ સાથે ગઠબંધનમાં બેઠક ફાળવી છે, તો સુરતની બેઠક બિનહરીફ જાહેર થતા કોંગ્રેસ પાસે હવે પોતાનો દમખમ બતાવવા માટે 23 બેઠકો જ બચી છે. કોંગ્રેસ 2024માં પોતાનું ખાતુ ખોલવા માટે ગાંધી પરિવાર સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસના મહત્વના પદાધિકારી કે.સી. વેણુગોપાલ, ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકનો સમાવેશ સ્ટાર પ્રચારકમાં કર્યો છે.
સ્ટાર પ્રચારકોમાં રાજ્યના કોંગ્રેસી આગેવાનો છે: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભરુચ બેઠક માટે ટિકિટની માંગણી કરનારએહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સ્ટાર પ્રચારકની યાદીમાં છે. યાદીમાં બીજુ મહત્વનું નામ રાજસ્થાનના યુવા નેતા સચિન પાયલોટ અને પક્ષના પ્રવકતા રણદીપ સુરજેવાલનું છે. કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ સાથે ઉષા નાયડુ, ગૌરવ પંડ્યા, બી.વી. શ્રીનિવાસ જેવા ઓછા જાણીતા કોંગ્રેસી આગેવાનોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરત સોલંકી, પૂર્વે લોકસભાની ચૂંટણી હારી જનારા દીપક બાબરિયા, સિદ્ધાર્થ પટેલનો સમાવેશ કરાયો છે. કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ અમીબહેન યાજ્ઞિક સાથે પૂર્વ સાંસદ મધૂસુદન મિસ્ત્રી અને ધારાસભ્ય શૈલેષ પરમારના નામનો સમાવેશ કરાયો છે.રાજ્યના દલિત નેતા જીજ્ઞેશ મેવાણી પણ સ્ટાર પ્રચારક છે, તો સાથે કાદિર પિરઝાદા અને પોતાના નિવેદનો માટે જાણીતા ઈમરાન પ્રતાપગઢી પણ ગુજરાતમાં સ્ટાર પ્રચારકો તરીકે કોંગ્રેસનો પ્રચાર કરશે. આ યાદીમાં રાજ્ય સ્તરે ઓછા જાણીતા કેટલાંક કોંગ્રેસીઓને સ્થાન મળતા પક્ષની અંદરો અંદર ચર્ચા જામી છે.
રાહુલ ગાંધી ગુજરાતમાં ફરીથી કરશે કેમ્પેઈન: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને રાજ્યની આદિવાસી પટ્ટીમાં હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. સાત જિલ્લામાં પાંચ દિવસ નીકળેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાથે પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજનો સારો પ્રતિભાવ મળ્યો હતો. હવે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાનને આડે 15 દવસ બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા ગાંધી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરવા માટે તૈયાર છે. ભાજપ માટે ગુજરાત ગઢ છે. ભાજપનો ઇરાદો ગુજરાતની 26 બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની સરસાઇથી જીતનો છે. 2024ની આ લોકસભા ચૂંટણીમાં ભરુચ અને ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના સક્ષમ ઉમેદવારો ભાજપના ઉમેદવારોને પડકાર આપે છે. ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો છે. મોંઘવારી, અપુરતા વેતનની રોજગારી, ભ્રષ્ટાચાર, ચૂંટણી બોન્ડ જેવા મુદ્દા પર કોંગ્રેસ મોદી સરકાર સામે સીધા આક્ષેપ કરે છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો રાજ્યની આદિવાસી પટ્ટી, ક્ષત્રિય બહુમૂલક વસતિ ધરાવતી બેઠકો પર પોતાનું ફોકસ કરી જનાક્રોશને મતમાં રુપાંતર કરવાના પ્રયાસ કરશે.
- સુરત લોકસભા બિનહરીફ ભાજપ જીતે માટે સ્ટ્રેટજી, બસપાના ઉમેદવાર અંડરગ્રાઉન્ડ, ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા - Surat Lok Sabha election 2024
- અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલનું વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન