ગુવાહાટી: આસામના કેટલાક ભાગોમાં રવિવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે બ્રહ્મપુત્રાના ઉત્તરી કિનારે સ્થિત આસામના ઉદલગુરી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કહેવાય છે કે આસામમાં જે જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તે જિલ્લો ભૂટાન અને અરુણાચલ પ્રદેશની સરહદ પર આવેલો છે. જો કે ભૂકંપના કારણે કોઈને ઈજા કે જાનમાલને નુકસાન થવાના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉદલગુરી નજીક જમીનની નીચે 15 કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપના આંચકા અનુભવાયા બાદ સોનિતપુર અને દરરંગ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જેના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. તે ગુવાહાટીથી લગભગ 105 કિલોમીટર ઉત્તરમાં આવેલું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે,'પશ્ચિમ અરુણાચલ પ્રદેશ અને પૂર્વ ભૂટાનના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે પર્વતીય ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આવેલા રાજ્યમાં દર અઠવાડિયે ભૂકંપના આંચકા અનુભવાય છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 થી 4 છે. બીજી તરફ, આ પહેલા રવિવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 4 માપવામાં આવી હતી.
આ પણ વાંચો:
- રામલીલામાં 'કુંભકર્ણ'નું હાર્ટ એટેકથી મોત, ભૂમિકા ભજવતી વખતે આવ્યો સ્ટ્રોક