અમદાવાદ : કરાંચીમાં જન્મેલા લાલ કૃષ્ણ અડવાણી ગુજરાતથી સાંસદ રહ્યાં હતાં. જોકે લાલ કૃષ્ણ અડવાણીની ઓળખ અનેક છે. કુશળ રાજનીતિજ્ઞ, પરિણામલક્ષી વ્યૂહકાર, ઉત્તમ વક્તા અને લોકપ્રિય સાંસદ અને લેખક. લાલ કૃષ્ણ અડવાણી રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે જોડાયેલા રહ્યાં.
ગાંધીનગર લોકસભા બેઠક પાંચ વાર જીતી હતી :મૂળે પાકિસ્તાનના કરાંચીમાં 8, નવેમ્બર-1927ના રોજ જન્મેલા લાલ કૃષ્ણ અડવાણીએ ભારતના નાયબ વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે કાર્ય કરી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ગુજરાતના ગાંધીનગર લોકસભા મતક્ષેત્રથી 1998 થી 2014 સુધી પાંચ વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019માં પક્ષે ટિકિટ ન ફાળવતા લાલ કૃષ્ણ અડવાણી પક્ષીય રાજકારણથી દૂર થયા હતા. લાલ કૃષ્ણ અડવાણી ભાજપના સ્થાપક સભ્ય પૈકી એક છે, જેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપૈયીના રાજકીય સાથીદાર રહ્યાં હતાં. એક સમયે લાલ કૃષ્ણ અડવાણીને છોટે સરદાર તરીકે પણ ઓળખવામાં આવ્યા હતા. લાલ કૃષ્ણ અડવાણીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
લાલ કૃષ્ણ અડવાણી પાકિસ્તાનથી ભારત આવી ભારતના બની રહ્યાં. આરંભમાં આર.એસ.એસ સાથે જોડાયાં અને પંચજન્ય થકી રાષ્ટ્રીય ચેતના જગાડી. લગભગ છ દાયકા સુધીની રાજકીય કારકિર્દીમાં તેઓ એ સતત અટલ બિહારી વાજપૈયી સાથે જોડી બનાવી. 1977માં લાલ કૃષ્ણ અડવાણી માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન બન્યા હતાં. 1990માં તેઓએ આરંભેલી રામ રથ યાત્રાએ લાલ કૃષ્ણ અડવાણીને સ્વયં સિદ્ધ કર્યા અને રાજકીય રીતે પ્રસિદ્ધિ અપાવી હતી. તેમના જોડાદાર અટલજીની નામરજી છતાં લાલ કૃષ્ણ અડવાણીએ રામ મંદિરની પુનઃ સ્થાપના માટે રામ રથ યાત્રાનો આરંભ ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી કર્યો હતો. લાલ કૃષ્ણ અડવાણીએ એ સમયે કોઈ પણ રાજકીય પક્ષ હિંદુ મતને વાચા આપતો ન હતો ત્યારે હિંદુ હિતની વાત કરતા હતાં. રામ રથ યાત્રા દરમિયાન લાલ કૃષ્ણ અડવાણીએ મંદિર વહી બનાયેંગેનું વચન આપ્યું હતુ, જે ભાજપે 2024ની 22 જાન્યુઆરી એ સિદ્ધ કર્યુ. જૈન ડાયરીમાં હવાલાકાંડમાં નામ આવતા લાલ કૃષ્ણ અડવાણીએ રાજીનામું આપ્યુંં હતુ. હવાલાકાંડના વિવાદના કારણે તેઓ વડાપ્રધાન ન બની શકયાં. લાલ કૃષ્ણ અડવાણી જ્યારે દેશના ગૃહ પ્રધાન બન્યાં ત્યારે કાશ્મીરમાં આંતકવાદ સામે પરિણામલક્ષી નિર્ણયો કર્યા. ત્રાસવાદને નિયંત્રિત કરવાના પ્રયાસો આરંભ્યાં. લાલ કૃષ્ણ અડવાણી એ જ્યારે પાકિસ્તાનમાં કટસરાજ મંદિરના ઉદ્ધાટન સમયે ગયા, અને ઝીણાની કબરે ગયા ત્યારે પાકિસ્તાનને બિનસાંપ્રદાયિક દેશ બનવા અનુરોધ કર્યો અને જે વિવાદો થયા એના કારણે પક્ષ અને પક્ષ બહાર તેમની સામે વિવાદો થયાં. જેના કારણે પણ તેઓ ક્યારેય વડાપ્રધાન બની ન શક્યાં. પોતે સ્થાપેલ પક્ષ તરફ ક્યારેય તેઓએ પક્ષ વિરોધી પ્રવૃતિઓ ન કરી. 2014માં નરેન્દ્ર મોદીએ ભારે બહુમતીથી સરકાર બનાવી ત્યારે લાલ કૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં હતાં અને અડવાણીજીની આંખોમાં આંસુ આવ્યાં હતાં. આજે જ્યારે વડાપ્રધાને ભારત રત્ન એવાં લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી, ત્યારે ભારત રત્નના ખિતાબને યથાર્થ કર્યો છે...જયવંત પંડ્યા, ( રાજકીય વિશ્લેષક )
લાલ કૃષ્ણ અડવાણીની રાજકીય કારર્કિદીની ઈનિંગ લાંબી : 1966થી ભારતીય જનસંઘના નેતા અને કાર્યકર હતા. 1967માં તેઓ દિલ્લી મેટ્રોપોલિટન કાઉન્સિલના ચેરમેન બન્યા હતાં. 1970-71 સુધી લાલ કૃષ્ણ અડવાણી ભારતીય જનસંઘના દિલ્હીના પ્રમુખ બન્યા અને 1973થી 1977 સુધી જેમાં કટોકટીનો કાળનો સમાવેશ થાય છે એ દરમિયાન લાલ કૃષ્ણ અડવાણી ભારતીય જનસંઘના રાષ્ટ્રીય પ્રમુખ હતા. 1974માં લાલ કૃષ્ણ અડવાણી ભારતીય જનસંઘ થકી રાજ્યસભાના નેતા બન્યા હતાં.
ભાજપના પાયાની ભૂમિકા ભજવી : 1980માં ભાજપની સ્થાપના કરી અને તેઓ રાજ્યસભાના વિપક્ષના નેતા બન્યા હતા. પુનઃ તેઓ 1986થી 1991 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. 1990ના દશકમાં લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા રામ મંદિર યાત્રા થકી દેશમાં હિંદુત્વના રાજકારણનો પાયો નાંખ્યો હતો. જેના થકી આજે ભાજપ સર્વોચ્ચ સ્થાને છે. આ સાથે લાલ કૃષ્ણ અડવાણીના પુસ્તક માય કન્ટ્રી, માય લાઈફ પુસ્તકમાં ગુજરાત અને સોમનાથના અનેક ઉલ્લેખ કર્યા છે. લાલ કૃષ્ણ અડવાણી ભાજપ તરફથી સૌથી લાંબા સમય સુધી પક્ષના અધ્યક્ષ રહ્યા છે, સાથે તેઓ ત્રણ દાયકા સુધી સાંસદ રહીને દેશની સુરક્ષા, વિકાસ અને સંભુપ્રભતા અંગે અનેક કાર્યો કર્યા છે. લાલ કૃષ્ણ અડવાણીના સક્રિય પ્રસાસ થકી ભાજપ બે લોકસભા બેઠકોથી આજે 303 બેઠકો હાંસલ કરી છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અટલ બિહારી વાજપૈયીને સાથ આપી લાલ કૃષ્ણ અડવાણીએ ભારતને ન્યુક્લિયર સ્ટેટ નિર્માણમાં મોટું યોગદાન આપ્યું છે.
લાલ કૃષ્ણ અડવાણીજીની સાથે મેં પ્રધાન તરીકે કાર્ય કર્યું છે એ મારા માટે ધન્ય છે. આજે દેશના કરોડો નાગરિક અને ભાજપના કાર્યકરો લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન ખિતાબથી સન્માનિત કરાશે એ સમાચારો સાંભળીને ખુશ થયા છે. મારા જેવા પક્ષના કાર્યકર માટે આજનો દિવસ સુર્વણ દિવસ છે, જયારે જનસંઘ સમયથી પક્ષ અને વિચારસરણી માટે સતત કાર્ય કરતા, ભારતને વિકસિત બનાવવામાં જેમનું મહામૂલુ યોગદાન છે એવાં લોકલાડીલા લાલ કૃષ્ણ અડવાણીજીને આપણા લોકપ્રિય વડાપ્રધાન અને ગ્લોબલ લીડર એવાં નરેન્દ્ર મોદીએ ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી આજના દિવસનું મહત્વ વધાર્યુ છે, ભારત રત્ન ખિતાબનું મહત્વ વધાર્યું છે. દેશનું સૌથી મોટું નાગરિક સન્માન ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીજીને એનાયત થશે એ સમાચારથી દેશના નાગરિકો અને પક્ષના કાર્યકરોને હું પણ દિલથી શુભેચ્છા અર્પુ છુ અને દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જાહેરાત માટે તેમનો આભાર માનુ છુ...હરેન પાઠક..( પૂર્વ કેન્દ્રીય પ્રધાન, પૂર્વ સાંસદ - અમદાવાદ, લાલ કૃષ્ણ અડવાણીના સાથી )
ગુજરાત અને લાલ કૃષ્ણ અડવાણીનો સંબંધ : લાલ કૃષ્ણ અડવાણી દેશના ભાગલા બાદ સૌથી પહેલા કરાંચીથી કચ્છ આવ્યા અને ત્યાર બાદ દિલ્લી ગયા હતા. આમ ગુજરાત સાથેનો સંબંધ લાલ કૃષ્ણ અડવાણીનો આરંભથી જ રહ્યો છે. 1986 -1987 બાદ દેશમાં મંડલ વિરોધી કમંડલની રાજનીતિનો આરંભ થયો. જેમાં કમંડલની એટલે કે હિંદુત્વની રાજનીતિનો ચહેરો લાલ કૃષ્ણ અડવાણી બન્યા હતા. લાલ કૃષ્ણ અડવાણીએ 1990ના સપ્ટેમ્બર મહિનામાં રામ મંદિરના સમર્થનમાં માટે રામ રથ યાત્રાનો આરંભ કર્યો હતો, જે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધીનો માર્ગ હતો. લાલ કૃષ્ણ અડવાણીની રામ રથ યાત્રા અને હિંદુત્વના રાજકારણને લઈને દેશમાં હિંદુત્વના રાજકારણમાં ઉછાળો આવ્યો હતો. અલબત્ત દેશ અને ગુજરાતમાં રામ રથ યાત્રાના માર્ગે અને બાબરી મસ્જિદ ધ્વંસ બાદ થયેલા તોફાનોમાં મોટા પાયે હિંસા થઈ હતી. લાલ કૃષ્ણ અડવાણી 1996 થી 1998 સુધીની સળંગ પાંચ ચૂંટણીઓ ગુજરાતની ગાંધીનગર બેઠકથી લડીને જીતી હતી.
ભારત રત્નથી સન્માનિત થશે : 1998માં લાલ કૃષ્ણ અડવાણી દેશના નાયબ વડાપ્રધાન બન્યા હતાં. 1991માં જૈન બંધુઓની ડાયરીના કારણે હવાલા કેસમાં તેમનું નામ આવતા લાલ કૃષ્ણ અડવાણીએ પોતે સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું અને 1997માં તેઓ કોર્ટ દ્વારા નિદોર્ષ જાહેર થતા પુનઃ સક્રિય રાજકારણમાં પ્રવૃત થયા હતાં. જે બાદ ગાંધીનગરથી સળંગ પાંચ ચૂંટણીમાં એક વખતના ઇલેકશન રિફોર્મર ટી.એન, શેષાન, ફિલ્મી સુપર સ્ટાર રાજેશ ખન્નાને ભારે બહુમતી હરાવી સાંસદ બન્યાં હતાં. છેલ્લે 2014ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિરીટ પટેલને 4.83 લાખ મતે હરાવી છેલ્લી વાર સાંસદ બન્યા હતાં. 2019માં ઉમરને લઇને પક્ષે ટિકિટ ન ફાળવતાં લાલ કૃષ્ણ અડવાણીએ સક્રિય રાજકારણથી પોતાની દૂરી બનાવી હતી. અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમયે અયોધ્યા ખાતે યોગ્ય આમંત્રણ ન મળતાં ફરીથી તેઓ ચર્ચામાં આવ્યાં હતાં. લાલ કૃષ્ણ અડવાણીની સક્રિય રાજકારણથી દૂરી બતાવે છે કે, ભાજપમાં વાજપેયી-અડવાણી યુગ સમાપ્ત થયો છે. લાલ કૃષ્ણ અડવાણીએ ભારતના રાજકારણને બદલ્યું છે, હવે તેઓ ભારત રત્નથી સન્માનિત થશે.
- LK Advani Will Get Bharat Ratna: 'ભાજપ રત્ન' અડવાણીને મળશે 'ભારત રત્ન', PM મોદીએ આપી શુભેચ્છા
- Bharat Ratna To Karpoori Thakur: કર્પૂરી ઠાકુરને ભારત રત્ન, PM મોદીએ કહ્યું- સમાજમાં સમરસતાને વધુ પ્રોત્સાહન મળશે