કોલકાતા:પશ્ચિમ બંગાળમાં ટ્રેઇની ડોક્ટર રેપ-મર્ડર કેસનો વિવાદ હજુ અટક્યો નથી. આ ઘટનામાં પીડિતાના પરિવારજનોએ કોલકાતા પોલીસ પર નવા આરોપો લગાવ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, પીડિતાના પરિવારના સભ્યોએ કહ્યું કે જ્યારે તેઓ તેમની પુત્રીની લાશ સાથે ઘરે હતા અને રડી રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને પૈસા આપવાનો પ્રયાસ કર્યો. મૃતક તબીબના સગા (કાકી)એ જણાવ્યું કે, જ્યારે પુત્રીની લાશ ઘરમાં માતા-પિતા સામે પડી હતી ત્યારે પોલીસ પૈસાની લાલચ આપી રહી હતી, શું આ પોલીસની માનવતા છે?
પીડિતાના પરિવારના સભ્યોએ બુધવારે મોડી રાત્રે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ મીડિયાને સંબોધિત કરતી વખતે આ આક્ષેપો કર્યા હતા. કોલકાતા પોલીસ પર 'પોતાની જવાબદારી પૂરી ન કરવાનો' આરોપ લગાવતા, મૃતક ડૉક્ટરના સંબંધી (કાકી)એ કહ્યું કે જેમ જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, પોલીસકર્મીઓ પરિવારને એકલા છોડી ગયા, પરંતુ તે પહેલા લગભગ 300-400 પોલીસકર્મીઓએ પરિવારને ઘેરી લીધો હતો.
તેમણે કહ્યું કે જેમ જેમ અંતિમ સંસ્કાર પૂર્ણ થયા, તમામ પોલીસકર્મીઓ અમને એકલા છોડીને સ્થળ પરથી ચાલ્યા ગયા. પરિવાર શું કરશે, ઘરે કેવી રીતે જશે, પોલીસે કોઈ જવાબદારી લીધી ન હતી. અંતિમ સંસ્કાર થયા ત્યાં સુધી પોલીસ સક્રિય હતી, ત્યારબાદ તેઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયા હતા. ઘરમાં માતા-પિતા સામે દીકરીની લાશ પડી હતી અને અમે આંસુ વહાવી રહ્યા હતા ત્યારે પોલીસ પૈસા આપતી હતી, શું આ પોલીસની માનવતા છે? પોલીસ કહેતી હતી કે તેમણે બધી જવાબદારીઓ નિભાવી છે, આને જ જવાબદારીઓ નિભાવવી કહેવાય?