પશ્ચિમ બંગાળમાં માલગાડી સાથે કોલકાત્તા જઈ રહેલી કંચનજંઘા એક્સપ્રેસની ભયંકર ટક્કર (ANI) સિલીગુડીઃકંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે, સોમવારે સવારે ન્યૂ જલપાઈગુડીથી કોલકાતા જતી કંચનજંગા નજીક સિલીગુડી નજીક ઘોષપુકુર વિસ્તારમાં કંચનજંગા એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. અપ્રમાણિત સૂત્રોના જણાવ્યા અનુસાર, કંચનજંગા એક્સપ્રેસની લાઈન પર જ માલગાડી આવતી હતી. જેણે કંચનજંગા એક્સપ્રેસની પાછળથી ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં 11 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાયું છે. ગઈકાલથી ચાલી રહેલું ઓપરેશન પણ આજે પૂર્ણ થયું છે. આ મામલે રેલવે દ્વારા 19 જૂન એટલે કે આવતીકાલથી તપાસ શરૂ થશે.
રેલવે દૂર્ઘટના બાદના ડ્રોનથી લેવાયેલા દ્રશ્યો
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માત બાદ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે NFR ઝોનમાં આ એક દુર્ભાગ્યપૂર્ણ દૂર્ઘટના. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રેલવે, NDRF અને SDRF સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મહત્વપૂર્ણ છે કે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ જાણ થતાંની સાથે જ દુર્ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ ગયા હતાં.
PM મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યુ દુ:ખ:
પશ્ચિમ બંગળમાં સર્જાયેલી રેલ દુર્ઘટના ખુબજ દુ:ખદ છે, આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પ્રત્યે મારી સંવેદના છે, જ્યારે જે લોકો ઈજગ્રસ્ત થયા છે તેઓ વહેલીતકે સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વ હેઠળ પુરજોશમાં રાહત-બચાવ કામગીરી ચાલી રહી છે અને તમામને શક્ય મદદ કરવાની ખાતરી આપી છે.
રાહુલ ગાંધીએ દુર્ઘટના પર વ્યક્ત કરી સંવેદના:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસના દુર્ઘટનાને લઈને એક્સ પર જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. સરકારે તાત્કાલિક તમામ પીડિતો અથવા તેમના પરિવારોને સંપૂર્ણ વળતર આપવું જોઈએ. કોંગ્રેસના કાર્યકર્તાઓને રાહત અને બચાવના પ્રયાસોમાં શક્ય તમામ મદદ કરવા વિનંતી કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં રેલ્વે અકસ્માતોમાં વધારો એ મોદી સરકારના ગેરવહીવટ અને ઉપેક્ષાનું સીધું પરિણામ છે, જેના પરિણામે દરરોજ મુસાફરોના જાન-માલનું નુકસાન થઈ રહ્યું છે. આજનો અકસ્માત આ વાસ્તવિકતાનું બીજું ઉદાહરણ છે - એક જવાબદાર વિપક્ષ તરીકે અમે આ ભયાનક બેદરકારી પર સવાલ ઉઠાવતા રહીશું અને આ અકસ્માતો માટે મોદી સરકારને જવાબદાર ઠેરવીશું.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યુ:
પશ્ચિમ બંગળમાં સર્જાયેલી રેલ દુર્ઘટનાને લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું. સીએમે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ''પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે સર્જાયેલ રેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનોની સાથે છે. મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું''.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, નોર્થ ફ્રન્ટિયર રેલ્વે (NFR) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સોમવારે સવારે ન્યૂ જલપાઈગુડી પાસે એક માલગાડી સાથે અથડાઈ હતી. NFRના કટિહાર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરે જણાવ્યું હતું કે સવારે 9 વાગ્યાની આસપાસ થયેલા અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અપ્રમાણિત અહેવાલો છે. તેમણે કહ્યું કે અગરતલાથી આવી રહેલી 13174 કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી સ્ટેશન નજીક રંગપાની પાસે માલગાડી સાથે અથડાઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ટક્કર એટલી જોરદાર હતી કે કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનનો કોચ હવામાં લટકી ગયો હતો.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે. તેણે લખ્યું કે હમણાં જ દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું ચોંકી ગઈ છું. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલગાી ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમ હાજર છે. તેમણે કહ્યું કે દરેકને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ સિયાલદહ ઈસ્ટર્ન રેલ્વેએ રંગપાની સ્ટેશન પર હેલ્પલાઈન ડેસ્ક સ્થાપિત કર્યું છે. વરિષ્ઠ ટિકિટ કલેક્ટર રાજુ પ્રસાદ યાદવે કહ્યું કે અમને હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. બે મહિલાઓ પૂછપરછ માટે આવી હતી. ન્યૂ જલપાઈગુડી જંક્શનથી આગળ કટિહાર રેલવે ડિવિઝનના રંગપાની વિસ્તારમાં આજે સવારે લગભગ 8:45 વાગ્યે આ ઘટના બની હતી. ત્રિપુરાના પરિવહન મંત્રી સુશાંત ચૌધરીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે હજુ સુધી મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.