હૈદરાબાદઃ યુકે સ્થિત અખબાર ડેઈલી એક્સપ્રેસે સમાચાર છાપ્યા છે કે, ભારતનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 200 ચોરસ માઇલમાં ફેલાયેલો છે. આ પાવર પ્લાન્ટ કુલ રુપિયા 1.63 ટ્રિલિયનના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ પ્લાન્ટ અવકાશમાંથી દેખાય છે.
કેટલી વીજળી પૂરી પાડશે?: ડેઈલી એકસપ્રેસે પોતાના સમાચારમાં આગળ લખ્યું છે કે, કુલ રુપિયા 1.63 ટ્રિલિયનના ખર્ચે તૈયાર થઈ રહેલ આ પ્લાન્ટ એકવાર પૂર્ણ થયા પછી સ્વિટ્ઝર્લૅન્ડ જેવા મધ્યમ કદના દેશને વીજળી આપવા માટે પૂરતી ઊર્જા સપ્લાય કરશે. ભારતમાં 20 મિલિયન ઘરો માટે પૂરતી વીજળી ઉત્પન્ન કરશે.
સૌથી મોટો પાવર પ્લાન્ટઃ ભારતના કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનના 9 ટકાથી વધુનો હિસ્સો ધરાવતો ખાવડા પ્રોજેક્ટ પૃથ્વી પરનો સૌથી મોટો પાવર પ્લાન્ટ હશે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, ટકાઉ ઊર્જામાં નેતૃત્વ કરવાની જવાબદારી નિભાવવાને ભારત મહત્વ આપી રહ્યું છે. અદાણીએ રિન્યુએબલ એનર્જીમાં દેશની નોંધપાત્ર પ્રગતિ મહત્વની ગણાવી હતી. ગૌતમ અદાણીએ કંપનીની AGMમાં પુષ્ટિ કરી હતી કે, આ પહેલ વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ પાર્કનું પ્રતિનિધિત્વ કરે છે.
ગૌતમ અદાણીએ કરી પોસ્ટઃ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ અમારો અત્યાર સુધીનો સૌથી જટીલ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હશે. 72,000 એકરમાં ફેલાયેલ આ પ્રોજેક્ટ 20 GW ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં સક્ષમ હશે. અમે તેને કોઈપણ પ્રોજેક્ટ કરતાં વધુ ઝડપથી પૂરો કરીશું. ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ લખ્યું કે, અક્ષય ઊર્જામાં ભારતના પ્રભાવશાળી પગલાઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ કારણ કે અમે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ. (ANI)
- ભારતમાં જીવાશ્મ ઇંધણનો વિકલ્પ મળ્યો, કેરળ દરિયાકિનારે 2 લાખ ટન થોરિયમનો ભંડાર હોવાનો અંદાજ
- Hybrid plant : 390 મેગાવોટનો વિન્ડ-સોલાર હાઇબ્રિડ પાવર પ્લાન્ટ ક્યાં અને કોણે કર્યો કાર્યાન્વિત જાણો