રાયપુર: છત્તીસગઢ જિલ્લાના કાંકેર તાલુકાથી 180 કિલોમીટરના અંતરે મહલા ગામ આવેલું છે. આ ગામ પહેલેથી જ નક્સલ પ્રભાવિત ગામ છે. પરતાપુર એરિયા કમિટીના નક્સલવાદીઓનો આ ગામમાં ખુબજ આતંક હતો. નક્સલવાદીઓ ગામમાં આવતા, ગ્રામજનોને હેરાન કરતા, તેમના પર નક્સલ સંગઠનમાં જોડાવા માટે દબાણ કરતા અને પછી જંગલમાં ગુમ થઈ જતાં. આ આતંકના ભય તળે મહલા ગામના લોકોનું જીવન પસાર થઈ રહ્યું હતું.
નક્સલવાદીઓના આતંકને કારણે વર્ષ 2009માં આખું ગામ ખાલી: વર્ષ 2007-08માં નક્સલવાદીઓએ ગામના સરપંચ અને એક ગામના રહેવાશીની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ ગામલોકોએ ગામમાંથી પલાયન કરવાનું શરૂ કરી દીધું. 2009નું વર્ષ પૂર્ણ થતાં સુધીમાં આખું ગામ ખાલી થઈ ગયું. ગામલોકો પોતાના વિસ્તારમાં શરણાર્થી બની ગયા, સમય એવો આવ્યો કે મહલા ગામના લોકોએ તેમના ઘર, ખેતરો અને બધું જ છોડીને હિજરત કરી ગયા.
વર્ષ 2008ના આંકડા અનુસાર મહલા ગામમાં 45 પરિવારો રહેતા હતા. ગામની કુલ વસ્તી 176 હતી. વર્ષ 2009માં આખું ગામ ખાલી થઈ ગયું. તેઓ પખાંજૂર જઈને ત્યાં રહેવા લાગ્યા. અહીંના ગામલોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી તેઓ પખાંજૂરમાં રોજીરોટી માટે મજૂરી કરીને જ પોતાનું ઘર ચલાવી રહ્યાં હતા. પરંતુ તેમનુ જીવવું મુશ્કેલીભર્યુ થવા લાગ્યું, વર્ષો વીતતા ગયા અને આ દરમિયાન, ગ્રામજનોએ ઘણી વખત પ્રશાસનને ગામની નજીક કેમ્પ ખોલવાની માંગ કરી હતી. કાંકેરના કલેક્ટર નિલેશ ક્ષીરસાગરે જણાવ્યું હતું કે, આ વર્ષોમાં કેમ્પ ખોલવા માટે ગ્રામજનો દ્વારા લગભગ 400 અરજીઓ આપવામાં આવી હતી.
વર્ષ 2018 માં મહલા ગામમાં BSF કેમ્પ ખુલ્યું: ગ્રામજનોની માંગ પર, વર્ષ 2018 માં ગામથી 1 કિલોમીટર દૂર BSF કેમ્પ ખોલવામાં આવ્યો. કેમ્પ ખુલ્યા બાદ પણ વર્ષ 2018, 2019 અને 2020માં નક્સલવાદી હુમલા ચાલુ રહ્યા. આ નક્સલી હુમલામાં ચાર જવાનો પણ શહીદ થયા હતા. પરંતુ સૈનિકોનું મનોબળ અકબંધ હતું. સૈનિકો સતત શોધખોળ કરતા રહ્યા. ધીરે ધીરે નક્સલવાદી ઘટનાઓ ઓછી થવા લાગી. અહીં, શિબિર શરૂ થયા પછી, ગામના પરિવારો ધીમે ધીમે વર્ષ 2022 થી પાછા ફરવા લાગ્યા. હવે સ્થિતિ એવી છે કે આખું ગામ ફરી વસ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે હવે ગામમાં પહેલા જેવી સ્થિતિ રહી નથી.
ગામ લોકોએ જણાવી કેવી હતી સ્થિતિઃ ગામના જાગેશ્વર દર્રો નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, પહેલા ગામમાં નક્સલવાદીઓનું વર્ચસ્વ હતું. લોકોને જીવવા માટે ડરનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામજનો ભયના ઓથાર તળે જીવતા હતા. જીવન આમ જ ચાલતું હતું. નક્સલવાદીઓ ગામડાઓમાં આવતા હતા અને લોકો સાથે મારપીટ કરતા હતા અને તેમને હેરાન કરતા હતા. નક્સલવાદી નેતા પ્રભાકર અને બોપન્ના તેમની ટીમ સાથે આ વિસ્તારમાં રહેતા હતા. નક્સલવાદીઓ ગામલોકોને તેમના કામ છોડીને સંગઠનમાં જોડાવા માટે કહેતા હતા. ગામના ઘણા લોકોને નક્સલવાદીઓએ મારી નાખ્યા, ત્યારબાદ ગામના ખેડૂતો અને મજૂરો મુંઝાવા લાગ્યા અને ગામના તમામ લોકોએ હિજરત કરી. જાગેશ્વરે આગળ ઉમેર્યું કે, બધા ગામ છોડીને પખાંજૂર રહેવા ચાલ્યા ગયા. પરંતુ તે બધા ખેડૂતો હતા, તેથી વધતી મોંઘવારીને કારણે ત્યાં રહેવું શક્ય નહોતું.
હું તે સમયે ભણતો હતો અને મારા પરિવારના સભ્યો રોજીરોટી માટે મજૂરી કરતા હતા. કેમ્પ ખુલ્યા બાદ ગ્રામજનોએ ગામમાં પરત ફરવાનો નિર્ણય લીધો હતો અને ગામમાં પરત ફરવાનું શરૂ કર્યું હતું. પહેલા જે સમસ્યા હતી તે હવે રહી નથી. સુરક્ષા દળો અને સરકારી વહીવટના કારણે ગામમાં શાંતિ છેઃ -જાગેશ્વર દર્રો, ગ્રામજન