નવી દિલ્હી:કેન્દ્રએ ગુરુવારે જસ્ટિસ સંજીવ ખન્નાની ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિમણૂકની સૂચના આપી. જસ્ટિસ ખન્ના ભારતના 51માં ચીફ જસ્ટિસ બનશે.
ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ 10 નવેમ્બરના રોજ નિવૃત્ત થશે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે: “ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિએ, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સાથે પરામર્શ કર્યા પછી, સુપ્રીમ કોર્ટના ન્યાયધિશ જસ્ટિસ સંજીવ ખન્ના 11મી નવેમ્બર, 2024 થી દેશના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરે છે.
આ મહિનાની શરૂઆતમાં, CJI ચંદ્રચુડે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ જસ્ટિસ સંજીવ ખન્નાનું તેમના અનુગામી તરીકે નામ આપ્યું હતું.
જસ્ટિસ સંજીવ ખન્નાએ આપેલા મહત્વપૂર્ણ ચૂકાદા
જસ્ટિસ ખન્ના અનેક મહત્વના ચુકાદાઓના હિસ્સો રહ્યા છે. તે એક બેન્ચનો ભાગ હતો, જેણે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આગળ વધવાની મંજૂરી આપી હતી. જસ્ટિસ ખન્નાની આગેવાની હેઠળની બેંચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસના સંબંધમાં EDના કેસમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા હતા.
તેઓ બંધારણીય બેંચનો પણ ભાગ રહ્યા છે, જેણે બંધારણની કલમ 370 નાબૂદ કરવાની વાતને સમર્થન આપ્યું હતું. તેઓ એ બેન્ચનો પણ ભાગ હતા જેણે 2018ની ચૂંટણી બોન્ડ યોજનાને ફગાવી દીધી હતી.
કોણ છે જસ્ટિસ સંજીવ ખન્ના?
જસ્ટિસ સંજીવ ખન્નાની કારકિર્દીની વાત કરીએ તો તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. અહીંથી જ તેમણે કાનૂની સફર શરૂ કરી હતી. શરૂઆતમાં, દિલ્હી હાઈકોર્ટમાં જતા પહેલા, જસ્ટિસ ખન્ના તીસ હજારી સ્થિત જિલ્લા અદાલતોમાં પ્રેક્ટિસ કરતા હતા. જસ્ટિસ સંજીવ ખન્નાએ બંધારણીય કાયદો, આર્બિટ્રેશન, વ્યાપારી કાયદો, કંપની કાયદો અને ફોજદારી કાયદો સહિત વિવિધ ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો. તેઓ આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે કામ કરતા હતા. જસ્ટિસ ખન્નાને 2005માં દિલ્હી હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. 2006માં તેઓ કાયમી જજ બન્યા.
હાલમાં તેઓ નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ અને રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમી, ભોપાલના ગવર્નિંગ કાઉન્સેલના સભ્ય છે.
આ પણ વાંચો:
- જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલો, પોર્ટરનું મોત, 4 જવાનો ઈજાગ્રસ્ત
- આજે ફરી Air India સહિત 70થી વધુ વિમાનોને બોમ્બની ધમકી મળી! ગોવા એરપોર્ટ હાઈ એલર્ટ પર છે