શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગ વિસ્તારમાં ગુરુવારે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, ગુરુવારે ગુલમર્ગમાં નિયંત્રણ રેખા (LOC) નજીકના બોટાપાથરના નાગિન વિસ્તાર પાસે આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ચાર જવાનો ઘાયલ થયા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, 18 રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) ના વાહનને બોટાપાથરથી આવતા સમયે નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં સૈનિકો સાથે મુસાફરી કરી રહેલો એક પોર્ટર (કુલી) ગંભીર રીતે ઘાયલ થયો હતો. પાછળથી કુલીનું મૃત્યુ થયું હતું.
તેમણે કહ્યું કે, આ હુમલો લશ્કરની હાજરીવાળા વિસ્તારમાં થયો હતો કારણ કે તે એલઓસીની બાજુમાં છે. હુમલા બાદ સેના અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
દરમિયાન, સુરક્ષા દળોએ હુમલાનો તરત જ વળતો જવાબ આપ્યો અને હુમલાખોરોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. બારામુલા પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની વાતની પુષ્ટિ થઈ છે. પોલીસે કહ્યું, "બારામુલા જિલ્લાના બુટાપાથર સેક્ટરમાં નાગિન પોસ્ટની આસપાસ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. તથ્યોની પુષ્ટિ કર્યા પછી વધુ માહિતી શેર કરવામાં આવશે."