રાજૌરી: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 25 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 26 બેઠકો પર ચૂંટણી યોજાશે. તેને જોતા રવિવારે ભાજપના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રશાસિત પ્રદેશમાં જોરશોરથી પ્રચાર કર્યો હતો.
પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાનની ટકાવારી ઘણી સારી રહી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડાએ પ્રચાર રેલીઓને સંબોધી હતી.
નૌશેરામાં અમિત શાહની સભા: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે નૌશેરામાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે અનામત અને આતંકવાદના મુદ્દે જમ્મુ-કાશ્મીરના ત્રણ પરિવારોને આડે હાથ લીધા હતાં. તેમણે કહ્યું, 'ફારૂક અબ્દુલ્લા કહે છે કે તેઓ કલમ 370 પરત લાવશે. ફારુક સાહેબ, કલમ 370 કોઈ પાછી લાવી શકે નહીં. હવે, બંકરોની જરૂર નથી કારણ કે કોઈ ગોળીબાર કરવાની હિંમત કરશે નહીં. જો ત્યાં ગોળી આવશે તો ગોળીનો જવાબ ગોળાથી આપવામાં આવશે.
તેઓ શેખ અબ્દુલ્લાનો ઝંડો પાછો લાવવા માંગે છે: જમ્મુ-કાશ્મીરમાં ફક્ત આપણો તિરંગો લહેરાશે. તેઓ ઈચ્છે છે કે અમે પાકિસ્તાન સાથે વાતચીત કરીએ. આતંકવાદ ખતમ ન થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાતચીતના પક્ષમાં નથી. તેઓ આતંકવાદીઓને જેલમાંથી છોડાવવા માંગે છે પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદને ખૂબ જ ઊંડે સુધી દફનાવી દીધો છે. કોઈપણ આતંકવાદી કે પથ્થરબાજને જેલમાંથી છોડવામાં આવશે નહીં.
અમે સુપ્રીમકોર્ટ જઈશું અને 370 પરત લાવીશું: નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર કહ્યું કે, "...અમે ફરીથી સુપ્રીમ કોર્ટમાં જઈશું અને તેને (370) પરત લાવીશું...
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પણ બરનાઈમાં સભા ગજવી: જ્યારે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જમ્મુના બરનાઈમાં એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે જમ્મુ અને ભાજપ વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે. નરેન્દ્ર મોદી 2014માં ભારતના વડા પ્રધાન બન્યા અને જ્યારે તમે તેમને 2019માં ફરીથી વડા પ્રધાન બનાવ્યા ત્યારે તેમની ઇચ્છાશક્તિ અને અમિત શાહની વ્યૂહરચનાથી અમે કલમ 370 નાબૂદ કરી. અમારા માટે ખુશીની વાત છે કે કલમ 370 નાબૂદ કરવામાં આવી છે અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાઈ રહી છે.