નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવારે આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. IMDના સવારના બુલેટિન મુજબ 3થી 5 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ વાવાઝોડાં અને વીજળી પડવાની શક્યતા છે.
આગામી 7 દિવસની આગાહીઃ આગામી 7 દિવસોમાં છત્તીસગઢ, તેલંગાણા, મરાઠાવાડા, વિદર્ભ, કોંકણ, અને ગોવામાં 5થી 8 એપ્રિલની વચ્ચે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં 2થી 5 એપ્રિલની વચ્ચે ભારે વરસાદ અને 6થી 8 એપ્રિલની વચ્ચે વધુ ભારે વરસાદ જોવા મળશે. જ્યારે આસામ અને મિઝોરમમાં પણ 4થી 7 એપ્રિલની વચ્ચે અતિ ભારે વરસાદ જોવા મળશે. ઝારખંડ, ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કર્ણાટકના દરિયાકાંઠાના-ઉત્તર-દક્ષિણ વિસ્તારોમાં પણ 5થી 8 એપ્રિલની વચ્ચે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.