લખનઉ : મોસ્કોમાં ભારતીય દૂતાવાસના એક કર્મચારીને યુપી એટીએસે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ માટે જાસૂસી કરતા પકડ્યો હતો. એટીએસની તપાસમાં ઘણી મહત્વની માહિતીઓ સામે આવવા લાગી છે. હનીટ્રેપ અને લોભના કારણે આ કર્મચારીએ મહિલાને સબમરીન, યુદ્ધ વિમાનો સહિત સેનાની ઘણી ગુપ્તચર વિગતો આપી હોવાનું બહાર આવ્યું છે. મહિલાએ કર્મચારીની સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને તેને હનીટ્રેપ કર્યો હતો. કર્મચારીના ખાતામાં લાખો રૂપિયા મળ્યાં છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પૂજા મહેરાના નામથી પ્રોફાઈલ બનાવવામાં આવી હતી : હાપુડના શાહમહિઉદ્દીનપુર ગામના રહેવાસી સતેન્દ્ર સિવાલે આઈએસઆઈ સાથે જોડાયેલી મહિલાને હથિયાર પ્રણાલી સંબંધિત માહિતી આપી હતી. હાલ સતેન્દ્ર સિવાલ યુપી એટીએસના 10 દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ 16 ફેબ્રુઆરીએ પૂરા થશે. યુપી એટીએસના જણાવ્યા અનુસાર સિવાલ ગયા વર્ષે મહિલાના સંપર્કમાં આવ્યો હતો. મહિલાએ પૂજા મહેરાના નામે ઓનલાઈન પ્રોફાઈલ બનાવી હતી.
મહિલાએ સંબંધો બાંધ્યા હતા : મહિલાએ સતેન્દ્રને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. 25 લાખના બદલામાં તેને ગુપ્ત દસ્તાવેજો શેર કરવાની લાલચ આપવામાં આવી હતી. તેણીએ પોતાને કેનેડાની પરિણીત મહિલા ગણાવી હતી. મહિલાના સતેન્દ્ર સાથે પણ સંબંધ હતાં. સિવાલે દાવો કર્યો છે કે તેણે મહિલા સાથે જે દસ્તાવેજો શેર કર્યા છે તે હજુ પણ તેના ફોનમાં છે. તેના ફોન અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય ગેજેટ્સની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.
સિવાલ 4 ફેબ્રુઆરીએ પકડાયો : ઇલેક્ટ્રોનિક અને ફિઝિકલ સર્વેલન્સ દ્વારા એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે તે આઈએસઆઈ હેન્ડલર્સના નેટવર્ક સાથે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. એટીએસ અધિકારીઓનું કહેવું છે કે મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઓપરેટ કરતી હતી. એટીએસએ 4 ફેબ્રુઆરીએ લખનૌથી સિવાલની ધરપકડ કરી હતી. સિવાલની ભારતીય દંડ સંહિતાની કલમ 121A (દેશ સામે યુદ્ધ છેડવું) અને અધિકૃત રહસ્ય અધિનિયમ, 1923 હેઠળ તેમની સામે એટીએસ પોલીસ સ્ટેશન, લખનૌમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી.
- UP ATS Arrested ISI Agent: યુપી ATSએ ISI એજન્ટને દબોચ્યો. રશિયાના દૂતાવાસથી પાકિસ્તાનને મોકલતો હતો ગુપ્ત માહિતીઓ
- Maharashtra News: યુપી એટીએસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે રચાતા ષડયંત્રનો પર્દાફાશ કરાયો