નવી દિલ્હી: ભારતે કેનેડાના એક મંત્રી દ્વારા ગૃહમંત્રી અમિત શાહ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને 'બકવાસ અને પાયાવિહોણા' બતાવીને સખત વિરોધ નોંધાવ્યો હતો. શનિવારે આ માહિતી આપતા વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓના 'ઓડિયો અને વીડિયો સર્વેલન્સ'ની પણ નિંદા કરી હતી.
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે શુક્રવારે કેનેડિયન હાઈ કમિશનના પ્રતિનિધિને બોલાવ્યા હતા... તેમને કહેવામાં આવ્યું હતું કે, ભારત સરકાર, નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસન દ્વારા સમિતિ સમક્ષ ભારતના કેન્દ્રિય ગૃહમંત્રીને લઈને આપેલા બકવાસ અને નિરાધાર સંદર્ભો પર કડક શબ્દોમાં વિરોધ કરે છે. આ પ્રકારની બેજવાબદારભરી હરકતોના દ્વીપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામ આવશે." મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોરિસને અમિત શાહને સંસદ સત્ર દરમિયાન શીખ ઉગ્રવાદીઓને નિશાન બનાવવાની કાર્યવાહી સાથે જોડ્યા હતા.
નાયબ વિદેશ મંત્રીએ કેનેડાની નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને જણાવ્યું કે, તેમણે 'વોશિંગ્ટન પોસ્ટ' સાથે શાહના નામની પુષ્ટિ કરી છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે, સરકાર તરફથી 'વોશિંગ્ટન પોસ્ટ'ને કેનેડામાં થઈ રહેલા અપરાધમાં ભારતના ગૃહમંત્રીની સંડોવણી વિશે કોણે કહ્યું હતું? આ પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો.
આ સિવાય જયસ્વાલે ભારતીય દૂતાવાસના અધિકારીઓના ઓડિયો-વિડિયો સર્વેલન્સ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "અમારા કેટલાક કોન્સ્યુલર અધિકારીઓને તાજેતરમાં કેનેડા સરકાર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેઓ ઓડિયો અને વિડિયો સર્વેલન્સ હેઠળ હતા. તેમના સંદેશાવ્યવહારને પણ અટકાવવામાં આવ્યો હતો. અમે કેનેડા સરકારને ઔપચારિક રીતે વિરોધ કર્યો છે કારણ કે અમે આ ક્રિયાઓને સહન કરતા નથી. અમારા રાજદ્વારી અને કોન્સ્યુલર કર્મચારીઓ પહેલેથી જ ઉગ્રવાદ અને હિંસાના વાતાવરણમાં કામ કરી રહ્યા છે. કેનેડા સરકારની આ કાર્યવાહી પરિસ્થિતિને વધારે ખરાબ કરે છે અને તે સ્થાપિત રાજદ્વારી ધોરણો અને પ્રથાઓ વિરુદ્ધ છે."
કેનેડામાં પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી રદ કરવાના અહેવાલો પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "અમે આ સંબંધમાં કેટલાક અહેવાલો જોયા છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેનેડામાં વર્તમાન વાતાવરણ અસહિષ્ણુતા અને ઉગ્રવાદના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે." કેનેડા સરકાર દ્વારા વિઝાની સંખ્યામાં ઘટાડા અંગે રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, "અમે કેનેડામાં કામ કરતા અમારા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની સુખાકારી પર નજર રાખી રહ્યા છીએ. અમારી ચિંતા તેમની સુરક્ષા અને સલામતી માટે છે."
આ પણ વાંચો:
- એર ઈન્ડિયાની દુબઈથી દિલ્હી આવેલી ફ્લાઈટમાં કારતૂસ મળ્યા, પોલીસ તપાસમાં લાગી
- નવેમ્બર મહિનો ઓક્ટોબર જેવો ગરમ રહેશે! હવામાન વિભાગ તરફથી મોટી અપડેટ