નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટમાં આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દારુ કૌભાંડના CBI કેસમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુનાવણી થશે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેંચ સુનાવણી કરશે. કેજરીવાલે પોતાની જામીન અરજીમાં કહ્યું છે કે તેઓ સીબીઆઈની ગેરકાયદેસર કસ્ટડીમાં છે. આપને જણાવી દઈએ કે સીબીઆઈએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. 26 જૂને જ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 29 જૂન સુધી CBI કસ્ટડીમાં મોકલી દીધા હતા. રાઉઝ એવેન્યુ કોર્ટના ડ્યુટી જજ અમિતાભ રાવતે કહ્યું હતું કે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ ગેરકાયદેસર નથી, બાદમાં 29 જૂને સીબીઆઈની ધરપકડ સમાપ્ત થયા બાદ ડ્યુટી જજ સુનૈના શર્માએ તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
સીબીઆઈના જણાવ્યા અનુસાર ઘણા સાક્ષીઓના નિવેદન છે જે કેજરીવાલ તરફ ઈશારો કરે છે. 26 જૂનના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન, સીબીઆઈ તરફથી હાજર રહેલા વકીલ ડીપી સિંહે મગુંતા રેડ્ડીના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સીબીઆઈ પાસે પુરાવા છે કે સાઉથ ગ્રૂપે એક્સાઈઝ પોલિસી કેવી રીતે તૈયાર કરવી. જ્યારે સાઉથ ગ્રૂપ દિલ્હી આવ્યું ત્યારે કોરોના ચરમસીમાએ હતો અને લોકો મરી રહ્યા હતા, તેમણે રિપોર્ટ બનાવી અભિષેક બોઈનપલ્લીને આપ્યો. આ રિપોર્ટ વિજય નાયર દ્વારા મનીષ સિસોદિયાને આપવામાં આવ્યો હતો. ડીપી સિંહે કહ્યું કે કોરોના દરમિયાન ઉતાવળમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. તેની પાછળ અરવિંદ કેજરીવાલનો હાથ હતો.