અમદાવાદ:અમદાવાદના આઠ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના અરજદારોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવનાર ફિલ્મ મહારાજની રિલીઝ અટકાવવા અરજી કરી હતી. આ અરજી ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.
આ કેસમાં નેટફ્લિક્સ, યશરાજ બેનર અને CBFCને કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવતા આજે હાઇકોર્ટમાં નેટફ્લિક્સ અને યશરાજ બેનર તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી, શાલીન મહેતા અને જાલ ઉનવાલા ઉપસ્થિત થઈ ફિલ્મ પરથી સ્ટે હટાવવા માંગ કરી હતી.
આજે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત હાઇકોર્ટમાં યશરાજ ફિલ્મ અને નેટફ્લિક્સની સિનિયર વકીલ ટીમ હાજર છે તો બીજી તરફ ફિલ્મને કોઈ રાહત આપવામાં આવી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહત્વપૂર્ણ છે કે, આ ફિલ્મને લઈને વિશ્વ હિંદુ પરિષદ પહેલા જ પોતાનો વાંધો વ્યક્ત કરી ચૂકી છે અને આ પછી ન તો ફિલ્મનું વધારે પ્રમોશન થયું કે ન તો ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. વિવાદોને કારણે, ફિલ્મ મહારાજ સીધી OTT પર સ્ટ્રીમ થવા જઈ રહી હતી અને ગુજરાત હાઈકોર્ટે તેની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો.
શું છે ફિલ્મની કહાની ?
આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે, જેને જોવા માટે આમિર ખાનના ચાહકોને લાંબી રાહ જોવી પડી શકે છે. જ્યારે ભગવાન કૃષ્ણ અને વલ્લભાચાર્યના અનુયાયીઓએ ફિલ્મ વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી છે, જેમાં લખ્યું છે કે, આ ફિલ્મ 1862ના લિબલ મહારાજ કેસ પર આધારિત છે, જે જનમાનસ પર ખરાબ અસર છોડશે, અને આ ફિલ્મ હિંદુ ધર્મની પણ વિરુદ્ધ છે. ફિલ્મ મહારાજનું દિગ્દર્શન સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે અને યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી.