હરિયાણા : પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ક્લાર્કના પદ પરથી નિવૃત્ત કર્મચારીને ડિમોટ કરવાના કેસમાં હરિયાણા સરકાર પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં હાઈકોર્ટે સરકારની આ કાર્યવાહીને વિચિત્ર, ચોંકાવનારી અને નિંદનીય ગણાવી છે.
ડિમોટ કરી ચોકીદાર બનાવ્યો :ક્લાર્કને ડિમોટ કરવા પાછળનું કારણ આપતા સરકારે કહ્યું કે, તે કમ્પ્યુટર ટાઇપિંગ ટેસ્ટમાં પાસ નહોતો. ક્લાર્કના પદ પરથી નિવૃત્ત થયેલા કર્મચારીને કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ પાસ ન કરવા બદલ ચોકીદાર તરીકે ડિમોટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ચોકીદાર માનીને નિવૃત્તિ અને અન્ય લાભો નક્કી કરવામાં આવ્યા હતા.
કર્મચારીની પત્નીએ કરી અરજી :આ મામલામાં પાણીપત જિલ્લાની રહેવાસી માયાદેવીએ જણાવ્યું કે, તેમના પતિ હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડમાં ચોકીદાર હતા. વર્ષ 1989માં તેમને લોઅર ડિવિઝન ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી હતી. આ પછી કોર્પોરેશને તેમને ફરજિયાત કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવા કહ્યું. પરંતુ અરજદારના પતિએ આ ટેસ્ટમાંથી મુક્તિ માંગી હતી. જોકે, ન તો કર્મચારીને છૂટ આપવામાં આવી અને ન તો તેણે પરીક્ષા પાસ કરી હતી.
2012માં નિવૃત્ત થયો કર્મચારી :ઉલ્લેખનીય છે કે, આ કર્મચારી વર્ષ 2012માં ક્લાર્ક પદેથી નિવૃત્ત થયા હતા. જ્યારે વર્ષ 2013માં કોર્પોરેશને તેમને પત્ર પાઠવીને ટેસ્ટ પાસ કરવા જણાવ્યું હતું. તેમજ જો તેઓ ટેસ્ટ પાસ નહીં કરે, તો ચોકીદારની પોસ્ટ પ્રમાણે તેમનું પેન્શન અને અન્ય લાભો નક્કી કરવામાં આવશે, તેવી ચેતવણી આપવામાં આવી હતી. આખરે અરજદારના પતિ પરીક્ષા પાસ કરી શક્યા ન હતા અને પછી તેમને ચોકીદાર તરીકે ડિમોટ કરવામાં આવ્યા હતા. સાથે જ એ મુજબ જ નિવૃત્તિ અને અન્ય લાભો નક્કી કરવામાં આવ્યા હતા.
કર્મચારીનું 2018માં અવસાન થયું :અરજદારના પતિનું 2018માં અવસાન થયું હતું. પરંતુ અરજદારને તેના સ્વર્ગસ્થ પતિનું ફેમિલી પેન્શન ડિમોટેડ પોસ્ટ મુજબ જ આપવામાં આવ્યું હતું. અરજદારે આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજી સ્વીકારતી વખતે હાઈકોર્ટે સરકારની કાર્યવાહીને મનસ્વી, આઘાતજનક અને નિંદનીય ગણાવી હતી.
હાઈકોર્ટનો આદેશ :હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, કર્મચારીની નિવૃત્તિ પછી માલિક અને નોકર વચ્ચેનો સંબંધ ખતમ થઈ જાય છે. અરજદારના પતિ જ્યારે સેવામાં હતા ત્યારે તેમને ડિમોટ કરી શકાયા હોત. હરિયાણા સરકાર પર 2 લાખ રૂપિયાનો દંડ લગાવવા ઉપરાંત, હાઈકોર્ટે અરજદારના પતિને ક્લાર્ક તરીકે નિવૃત્ત ગણવા અને 6 ટકા વ્યાજ સાથે તમામ નિવૃત્તિ લાભ આપવાનો આદેશ આપ્યો છે.
- સહારાના 6 સ્થળો પર દરોડા, ED એ 3 કરોડ રુપિયા અને શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા
- પેપર લીકના વિવાદ વચ્ચે NEET કાઉન્સેલિંગ મોકૂફ , જાણો કોંગ્રસ નેતાએ શું કહ્યું..