હરિયાણા :આજે હરિયાણાની તમામ 90 વિધાનસભા સીટો પર એક સાથે વોટિંગ થશે. લોકસભા ચૂંટણી પછી આ બીજી વખત છે, જ્યારે હરિયાણામાં પક્ષો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પુરી તાકાત લગાવી દીધી છે. જોકે, હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે, પરંતુ અહીં અન્ય મોટા પ્રાદેશિક પક્ષો પણ મેદાને છે.
ઉત્તરપ્રદેશની પાર્ટીઓ પણ મેદાનમાં : ખાસ કરીને ઉત્તરપ્રદેશની પાર્ટીઓ પણ હરિયાણાની ચૂંટણી માટે પૂરો જોર લગાવી રહી છે. જનનાયક જનતા પાર્ટીએ (JJP) આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સાથે ગઠબંધનમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે INLD એ માયાવતીની પાર્ટી BSP સાથે ગઠબંધન કર્યું છે.
AAP ને હરિયાણાથી આશા : કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાનું રાજકીય અસ્તિત્વ શોધી રહી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી અને પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ખૂબ જ ઉત્સાહિત છે. હવે તેમની નજર હરિયાણાની મોટી બેઠકો પર રહેશે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે પહેલાથી જ દાવો કર્યો છે કે, તેઓ ચૂંટણી પછી કિંગમેકરની ભૂમિકામાં રહેશે અને તેમના વિના કોઈ પણ સત્તાના સિંહાસન પર બેસી શકશે નહીં.
90 બેઠકો પર 1031 ઉમેદવારો : હરિયાણાના 22 જિલ્લામાં કુલ 90 વિધાનસભા બેઠકો માટે 1747 ઉમેદવારોએ તેમના નામાંકન દાખલ કર્યા હતા, તેમાંથી માત્ર 1151 ઉમેદવારોના નામાંકન સ્વીકારવામાં આવ્યા હતા. આ પછી 394 ઉમેદવારીપત્રો નકારી કાઢવામાં આવ્યા, જ્યારે 202 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા હતા. આવી સ્થિતિમાં હવે હરિયાણામાં કુલ 1031 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં પુરુષ ઉમેદવારોની સંખ્યા 930 છે, જ્યારે મહિલા ઉમેદવારોની સંખ્યા 101 છે. આ વખતે ચૂંટણી લડી રહેલા 538 ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે 133 ઉમેદવારો સામે ફોજદારી કેસ પણ પેન્ડિંગ છે.
સૌથી વધુ અને ઓછા ઉમેદવારો ક્યાં ? જો હરિયાણાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યાની વાત કરીએ તો હરિયાણાની હિસાર વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 21 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે સૌથી ઓછા 5 ઉમેદવારો કાલનવલી અને નાંગલ ચૌધરી બેઠક પરથી છે.
હરિયાણાની ચૂંટણીમાં કેટલા મતદારો ?હરિયાણામાં મતદાન માટે 20,629 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જો હરિયાણામાં મતદારોની સંખ્યાની વાત કરીએ તો કુલ મતદારોની સંખ્યા 2,03,54,350 છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 1,077,5,957 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 95,77,926 અને ટ્રાન્સજેન્ડર મતદારો 467 છે.
હરિયાણા ચૂંટણીના મોટા ચહેરા :હરિયાણા ચૂંટણીના મોટા ચહેરાઓની વાત કરીએ તો, હરિયાણાના સીએમ નાયબસિંહ સૈની લાડવાથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના સીએમ પદના દાવેદાર ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ગઢી સાંપલા-કિલોઈથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હરિયાણાના પૂર્વ ડેપ્યુટી સીએમ અને JJP નેતા દુષ્યંત ચૌટાલા ઉચાના કલાંથી ચૂંટણી લડી રહ્યા છે.
વિનેશ ફોગાટ vs કુસ્તીબાજ કવિતા :આ સિવાય રાજ્યસભા સાંસદ કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરી તોશામથી ચૂંટણી લડી રહી છે. જ્યારે INLD ના મુખ્ય મહાસચિવ અભયસિંહ ચૌટાલા એલનાબાદ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ દરમિયાન 100 ગ્રામ વધારે વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી ચૂકી ગયેલી વિનેશ ફોગાટ કોંગ્રેસની ટિકિટ પર જુલાનાથી ચૂંટણી લડી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જુલાનાથી કુસ્તીબાજ કવિતા દલાલને ટિકિટ આપી છે, જે વિનેશ સાથે સ્પર્ધા કરશે.
સાવિત્રી જિંદાલ હિસારથી મેદાને ઉતર્યા :હરિયાણાના પૂર્વ મંત્રી રણજીતસિંહ ચૌટાલા ભાજપ તરફથી ટિકિટ ન મળતા રાનિયા સીટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટથી ચૂંટણી લડી રહ્યા છે. કુરુક્ષેત્રના ભાજપ સાંસદ નવીન જિંદલની માતા અને દેશની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદલ હિસારથી ચૂંટણી લડી રહી છે. આ સિવાય હલોપાના વડા ગોપાલ કાંડા સિરસાથી ચૂંટણી લડી રહ્યા છે. હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન હોડલથી ચૂંટણી લડી રહ્યા છે.
- હરિયાણા ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં જોડાયા
- કેબિનેટની બેઠકમાં હરિયાણા વિધાનસભા ભંગ કરવાની મંજૂરી આવી