નવી દિલ્હી:કેન્દ્ર સરકારે અગ્નિવીરો માટે મોટી જાહેરાત કરી છે. અર્ધલશ્કરી દળો CISF અને BSFમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામત હશે. આ ઉપરાંત ઉંમરમાં પણ છૂટછાટ મળશે. CISF અને BSFના વડાઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના નિર્ણય મુજબ, તેમના સંબંધિત દળોમાં કોન્સ્ટેબલની ભરતીમાં 10 ટકા પોસ્ટ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. આર્મી, નેવી અને એરફોર્સમાં ટૂંકા ગાળાની ભરતી માટે અગ્નિપથ સ્કીમ પર ઉભા થઈ રહેલા નવા પ્રશ્નો વચ્ચે CISF અને BSFએ આ જાહેરાત કરી છે.
અગ્નિવીરોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય: CISFના ડાયરેક્ટર જનરલ નીના સિંહે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભૂતપૂર્વ અગ્નિવીરોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ CISF પૂર્વ અગ્નિવીરોની ભરતી માટેની પ્રક્રિયા પણ તૈયાર કરી રહી છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના વડાએ કહ્યું કે, હવેથી તમામ કોન્સ્ટેબલ ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવશે.
ફિઝિકલ ટેસ્ટમાં પણ છૂટછાટ અપાશે: ડીડી ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ફિઝિકલ ટેસ્ટમાં છૂટછાટની સાથે ભૂતપૂર્વ અગ્નિવીરોને ઉંમરમાં પણ છૂટછાટ આપવામાં આવશે. પ્રથમ વર્ષમાં ઉંમરમાં છૂટછાટ પાંચ વર્ષ માટે છે અને પછીના વર્ષમાં ઉંમરમાં છૂટછાટ ત્રણ વર્ષ માટે રહેશે. સિંહે કહ્યું કે ભૂતપૂર્વ અગ્નિવીરો આનો લાભ લઈ શકશે અને CISF ખાતરી કરશે કે તેમને ભરતીનો લાભ મળે. આ CISF માટે પણ ફાયદાકારક છે, કારણ કે અર્ધલશ્કરી દળને પ્રશિક્ષિત અને શિસ્તબદ્ધ સૈનિકો મળશે.
અગ્નિવીર શિસ્તબદ્ધ અને પ્રશિક્ષિત કર્મચારીઓ છે: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના ડાયરેક્ટર જનરલ નીતિન અગ્રવાલે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ અગ્નિવીરોને ચાર વર્ષનો અનુભવ છે. તેઓ સંપૂર્ણ શિસ્તબદ્ધ અને પ્રશિક્ષિત કર્મચારીઓ છે. BSF માટે આ ખૂબ જ સારી વાત છે કારણ કે અમને પ્રશિક્ષિત સૈનિકો મળી રહ્યા છે. ટૂંકી તાલીમ બાદ તેમને બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.
- પોરબંદરમાં નૌકાદળ દિવસની ઉજવણી, અગ્નિવીરોએ કર્યુ શાનદાર પર્ફોમન્સ, જુઓ વીડિયો