કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તાના લોકો તેમના શહેરની વિરાસત અને ભૂતકાળની ભવ્યતાને જાળવીને બેઠા છે. આ જ કારણ છે કે અહીંના લોકો શહેરમાં દોડતી પીળી એમ્બેસેડર ટેક્સીઓ બંધ થવાનો શોક વ્યક્ત કરી રહ્યાં છે. આ વર્ષે શહેરના માર્ગો પર દોડતી 1000 હિન્દુસ્તાન એમ્બેસેડર કાર નિવૃત્ત થવા જઈ રહી છે.
હિંદુસ્તાન એમ્બેસેડર સૌપ્રથમ વર્ષ 1950ના દાયકામાં રસ્તાઓ પર ઉતરી હતી. તેની ડિઝાઈન ત્યાર બાદના દાયકાઓમાં ભાગ્યે જ બદલાઈ. તે સમયે ભારતના ઉબડ-ખાબડ રસ્તાઓ પર આ કાર દબદબો ભોગવતી હતી. આ ટેક્સીઓ આજકાલ કોલકાતાની બહાર ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ કોલકાતામાં તે પૂર્વીય શહેરની ઓળખનું પ્રતીક છે. જો કે, હવે તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને જે કાર બાકી છે તે આગામી ત્રણ વર્ષમાં રસ્તા પરથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે.
છેલ્લા ચાર દાયકાથી એમ્બેસેડર કેબ ચલાવનાર કૈલાશ સાહનીએ એએફપીને જણાવ્યું હતું કે, "મને મારી કાર પોતાના દિકરાની જેમ વ્હાલી છે " 70 વર્ષના સાહનીએ કહ્યું કે,''તે એક સામાન્ય કાર છે. તેમાં કોઈ ઈલેક્ટ્રોનિક્સ નથી, કોઈ તામજામ નથી. તે અવિશ્વસનીય છે, કે વસ્તુઓ કેટલી બદલાઈ ગઈ છે... આ ટેક્સી કારનો અંત અમારા અંતનો પણ સંકેત આપે છે "
સાહની કોલકાતાના હજારો કેબ ડ્રાઇવરોમાં સામેલ છે, જેમણે શહેરની ધુમ્મસની સમસ્યાને ઘટાડવા માટે 2009માં શરૂ કરાયેલા ભારે ઉત્સર્જન ધોરણોને અનુરૂપ કરવા માટે તેમના વાહનોનો ત્યાગ કર્યો છે.
બંગાળ ટેક્સી એસોસિએશનના ડેટા અનુસાર, આ વર્ષની શરૂઆતમાં માત્ર 2500 એમ્બેસેડર ટેક્સીઓ ચાલી રહી હતી, જ્યારે એક વર્ષ પહેલા તેમની સંખ્યા લગભગ 7000 હતી. આ વર્ષે 1,000 વધુ ટેક્સીઓ બંધ કરવામાં આવશે. દરમિયાન, પશ્ચિમ બંગાળના પરિવહન પ્રધાન સ્નેહશિષ ચક્રવર્તીએ એએફપીને જણાવ્યું હતું કે, બાકીની ટેક્સીઓ 2027ના અંત સુધીમાં બંધ થઈ જશે.
બંગાળ ટેક્સી એસોસિએશનના પ્રવક્તા સંજીવ રોયે જણાવ્યું હતું કે, "કાર મજબૂત છે. તેના પાર્ટસ અને મેઈન્ટેનન્સ સસ્તું છે અને જો તે ખરાબ થઈ જાય તો મિકેનિક શોધવાનું પણ સરળ છે."
ભારતના વાહન ઉદ્યોગનો પાયાનો પથ્થર
હિન્દુસ્તાન એમ્બેસેડર 1957માં કોલકાતાના ઉત્તર બહારમાં આવેલી એક ફેક્ટરીમાં પોતાના પ્રારંભિક દાયકાઓમાં ભારતના ઓટોમોટિવ ઉદ્યોગનો પાયાનો પથ્થર રહ્યો. બ્રિટનની મોરિસ મોટર્સની જાજરમાન સેડાન કાર પર આધારિત, આ કાર સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતના ઇતિહાસના શરૂઆતના વર્ષોમાં ઉદ્યોગની એક જ્વંલત સિદ્ધિ હતી.
એક ડીલક્સ મોડલ, જે વિન્ડો લેજ કર્ટેન્સથી સુશોભિત હતી, ઘણા વર્ષો સુધી તે મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ માટે પરિવહનનું મુખ્ય માધ્યમ હતું. કારની ખુબીઓ એ સમયે ભારતમાં પ્રચલિત અર્ધ-સમાજવાદી આર્થિક વ્યવસ્થાની ઊંડી માળખાકીય સમસ્યાઓની યાદ અપાવે છે.
કાર ખરીદવા ઈચ્છુક લોકો તેના માટે વર્ષો સુધી રાહ જોતા હતા, કારણ કે હિન્દુસ્તાન મોટર્સની માંગને પહોંચી વળવા ઉત્પાદન વધારવાથી અટકાયું હતું, જ્યારે વેચાણ પર લગભગ એકાધિકારે ગુણવત્તાના ધોરણો જાળવવા માટે કોઈ પ્રોત્સાહન આપ્યું નહીં. કારની ખામીઓને લઈને ઘણા જોક્સ પણ બનાવવામાં આવ્યા હતા.