નવી દિલ્હીઃદિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિષીના નામની જાહેરાત થયાં બાદ નવા મંત્રીઓને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. આતિશીનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 21 સપ્ટેમ્બરે યોજાશે. ત્યારે નવા મંત્રી તરીકે મુકેશ અહલાવતનું નામ સામે આવી રહ્યું છે. મુકેશ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. તેઓ સુલતાનપુર માજરાથી ધારાસભ્ય છે. તેઓ અનુસૂચિત જાતિ વર્ગમાંથી આવે છે. તેઓ રાજકુમાર આનંદનું સ્થાન લેશે. પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દિલ્હી સરકારની કેબિનેટમાં હાલમાં માત્ર પાંચ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે.
દિલ્હી સરકારમાં SC ક્વોટામાંથી મંત્રી:દિલ્હી સરકારની કેબિનેટમાં શરૂઆતથી જ SC ક્વોટાના ધારાસભ્ય એક કેબિનેટ મંત્રી રહ્યા છે. વર્ષ 2020માં જ્યારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની ત્યારે સીમાપુરીના ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2022માં જ્યારે તેઓ એક નિવેદનને કારણે વિવાદમાં આવ્યા ત્યારે તેમણે કેબિનેટ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ પટેલ નગરના ધારાસભ્ય રાજકુમાર આનંદનો કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજકુમાર આનંદે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને પાર્ટી પણ છોડી દીધી હતી. ત્યારથી મંત્રી પદ ખાલી હતું. આ ક્વોટ હેઠળ મુકેશ અહલાવતને હવે કેબિનેટ મંત્રી બનાવવામાં આવશે. આગામી દિવસોમાં જ્યારે આતિશી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે આ પાંચ ધારાસભ્યો પણ દિલ્હી સરકારના નવા કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે.
મુકેશ અહલાવતને મોટું પદ: પાર્ટીના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુકેશ અહલાવત સિવાય અન્ય ધારાસભ્યો જે પહેલાથી જ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, તેઓ પણ આ જ પોર્ટફોલિયો સંભાળશે. મુકેશ અહલાવતને સમાજ કલ્યાણ અને રાજકુમાર આનંદના અન્ય વિભાગોની જવાબદારી મળી શકે છે.
21 સપ્ટેમ્બરે આપનું નવું મત્રીમંડળ: આપને જણાવી દઈએ કે મંગળવારે અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને મુખ્યમંત્રી પદ પરથી પોતાનું અને કેબિનેટનું રાજીનામું સોંપ્યું હતું. કેજરીવાલે સબમિટ કરેલું રાજીનામું બુધવારે લેફ્ટનન્ટ ગવર્નરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલી આપ્યું હતું. તેની સાથે મોકલવામાં આવેલા પત્રમાં મુખ્યમંત્રી પદ માટે આતિશીના શપથ ગ્રહણની સૂચિત તારીખ 21 સપ્ટેમ્બર હોવાનો ઉલ્લેખ છે. એવી સંભાવના છે કે તે દિવસે મુખ્યમંત્રીની સાથે આ તમામ AAP ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લેશે.
કોણ છે મુકેશ અહલાવતઃઆમ આદમી પાર્ટી શાસિત દિલ્હી સરકારમા હવે 44 વર્ષીય મુકેશ અહલાવત કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળશે, કારણ કે, દિલ્હી સરકારમાં નવો દલિત ચહેરો છે. વર્ષ 2020માં, મુકેશ અહલાવત દિલ્હીની સુલતાનપુર માજરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને પ્રથમ વખત વિધાનસભામાં પહોંચ્યા હતા. તેમણે 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ પણ મુકેશ અહલાવતને રાજસ્થાનના સહ પ્રભારીની જવાબદારી સોંપી છે. તેઓ વ્યવસાયે એક વેપારી છે અને ચૂંટણી પંચને આપેલા સોગંદનામા મુજબ તેમની સામે કોઈ ફોજદારી કેસ નોંધાયેલ નથી.