નવી દિલ્હી: રાજધાનીમાં રવિવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો, જેના કારણે સવારે ઠંડી વધી ગઈ હતી. જોકે શનિવારની સરખામણીએ ધુમ્મસમાંથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગે આજે પણ વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે અને કહ્યું છે કે દિવસભર વરસાદ પડી શકે છે. સવારે 7.30 વાગ્યા સુધી તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 19 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. આજે હવામાં ભેજનું પ્રમાણ 90 ટકા અને પવનની ઝડપ છ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
રાજધાની દિલ્હીના વિવિધ વિસ્તારની વાત કરીએ તો, સવારે એનસીઆરમાં 14 ડિગ્રી સેલ્સિયસ, ગાઝિયાબાદમાં 13 ડિગ્રી સેલ્સિયસ, ગ્રેટર નોઈડામાં 14 ડિગ્રી સેલ્સિયસ અને નોઈડામાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 5 અને 6 ફેબ્રુઆરીએ ફરી ધુમ્મસ જોવા મળી શકે છે. 7 ફેબ્રુઆરીએ ઠંડો પવન ફુંકાવાની પણ આગાહી છે.