નવી દિલ્હી :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ છેલ્લા 10 વર્ષમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં તેમના રોકાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. રાહુલ ગાંધી રૂ. 4.33 કરોડના શેર અને રૂ. 3.81 કરોડના મ્યુચ્યુઅલ ફંડ્સ ધરાવે છે. કેરળની વાયનાડ સીટ પરથી ફરીથી ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચને (ECI) સોંપવામાં આવેલા રાહુલ ગાંધીના એફિડેવિટમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તેમની સંપત્તિમાં 9.24 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 11.5 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે.
રાહુલ ગાંધીએ 3 એપ્રિલે કેરળના વાયનાડથી ઉમેદવારી નોંધાવી હતી. રાજ્યમાં લોકસભાની 20 બેઠકો માટે સાંસદોને ચૂંટવા માટે એક તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. તમને જણાવી દઈએ કે નોમિનેશન લેટરની સાથે ફાઈલ કરવામાં આવેલ એફિડેવિટમાં ઉમેદવારની પ્રોપર્ટી અને તેની સામે પેન્ડિંગ કેસ વિશેની અંગત માહિતી હોય છે.
રાહુલ ગાંધીનું સ્ટોક હોલ્ડિંગ :
રાહુલ ગાંધીના સ્ટોક હોલ્ડિંગનો સૌથી મોટો હિસ્સો સ્મોલકેપ સુપ્રજીત એન્જિનિયરિંગમાં છે. ત્યારબાદ ITC અને ICICI બેંકનો નંબર આવે છે. રાહુલ પાસે સુપ્રજીતમાં 16.65 લાખથી વધુની કિંમતના 4,068 શેર હતા. છેલ્લા 12 મહિનામાં આ સ્ટોકે લગભગ 20 ટકા વળતર આપ્યું છે. તેમની પાસે ITC અને ICICI બેન્કમાં અનુક્રમે 3,039 શેર અને 2,299 શેર હતા, જેની બજાર કિંમત રૂ. 12.96 લાખ અને રૂ. 24.83 લાખ હતી.