નવી દિલ્હી :ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે ભારતની મુખ્ય તપાસ એજન્સીઓને તપાસની આવશ્યકતા અને વ્યક્તિગત ગોપનીયતા અધિકાર વચ્ચે સંતુલન જાળવવા હાકલ કરી હતી. દિલ્હીના ભારત મંડપમ ખાતે 20મા ડીપી કોહલી સ્મારક વ્યાખ્યાન આપતા CJI ચંદ્રચુડે દેશની અર્થવ્યવસ્થાને અસર કરતા કેસોનો ઝડપી નિકાલ કરવાની તપાસ એજન્સીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. CJI ચંદ્રચુડે CBI રાઇઝિંગ ડે કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
CJI ચંદ્રચુડનું વક્તવ્ય :CJI ચંદ્રચુડનું મુખ્ય વક્તવ્ય એડોપ્ટિંગ ટેકનોલોજી ટુ એડવાન્સ ક્રિમિનલ જસ્ટિસ વિષય પર હતું. જેમાં ટેકનોલોજીનો લાભ લેવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું હતું કે, વિલંબને ઘટાડવા અને કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે ઓનલાઇન સમન્સ આપવામાં આવી શકે છે. વિવિધ એજન્સીઓ અને વિભાગો વચ્ચે સંકલન હોવું જોઈએ, જેમને કેસોનો ઝડપી નિકાલ કરવા માટે વ્યૂહરચના ઘડવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
તપાસ એજન્સીને સૂચન :CJI ચંદ્રચુડે કહ્યું કે, તપાસ એજન્સીની તપાસ અને જપ્તી શક્તિ અને વ્યક્તિની ગોપનીયતાના અધિકાર વચ્ચે "નાજુક સંતુલન" રાખવાની જરૂર છે, કારણ કે તે ન્યાયી સમાજનો પાયો છે. તપાસ એજન્સીઓની સત્તાઓ અને વ્યક્તિઓના ગોપનીયતા અધિકાર વચ્ચે સંતુલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પ્રક્રિયાને જાળવી રાખવાની જરૂર છે.
CJI ચંદ્રચુડે કહ્યું કે, દેશની મુખ્ય તપાસ એજન્સીઓ ખૂબ જ પાતળી થઈ ગઈ છે અને તેઓએ ફક્ત એવા કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જેમાં રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર વિરુદ્ધ આર્થિક અપરાધોના ગુનાઓ સામેલ હોય.