છત્તીસગઢ : બસ્તર ડિવિઝનના સુકમા જિલ્લામાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે મોટી અથડામણ ચાલી રહી છે. આ એન્કાઉન્ટર કોન્ટાના ભેજી વિસ્તારમાં થઈ રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલવાદીઓ ઓડિશા થઈને છત્તીસગઢ પહોંચ્યા હતા. નક્સલવાદીઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોની ટીમ રવાના થઈ ગઈ હતી. આ દરમિયાન કોન્ટાના ભેજી વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હોવાની સુકમાના SP કિરણ ચવ્હાણે પુષ્ટિ કરી છે.
સુકમામાં નક્સલવાદીઓ સાથે અથડામણ :સુકમાના SP કિરણ ચવ્હાણે જણાવ્યું કે, સુકમા જિલ્લાના કોન્ટા અને કિસ્ટારામ એરિયા કમિટીના નક્સલવાદી સભ્યો વિશે માહિતી મળી હતી. આ માહિતી પર DRG ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન DRG સૈનિકો અને માઓવાદીઓ વચ્ચે શુક્રવારે સવારે 6 વાગ્યે ભેજીના જંગલોમાં અથડામણ શરૂ થઈ હતી.
10 નક્સલવાદીઓના મૃતદેહ મળ્યા :ભેજી વિસ્તાર હેઠળ કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારામ, ભંડારપાદર ગામની જંગલ-પહાડીઓમાં DRG અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. SP કિરણ ચવ્હાણે કહ્યું કે, એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 10 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. INSAS, AK-47, SLR અને અન્ય ઘણા હથિયારો પણ મળી આવ્યા છે, સર્ચ ઓપરેશન ચાલુ છે.
સીએમ સાંઈએ સૈનિકોને અભિનંદન આપ્યા :મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ સુરક્ષા દળોની આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તેમની સરકાર નક્સલવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. બસ્તરમાં વિકાસ, શાંતિ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ તેમની સરકારની ટોચની પ્રાથમિકતા છે. બસ્તરમાં શાંતિ, વિકાસ અને પ્રગતિનો યુગ પાછો ફર્યો છે.
સીએમ સાઈએ કહ્યું કે, સુરક્ષા દળોને તેમની અદમ્ય હિંમત અને સમર્પણ માટે અભિનંદન. છત્તીસગઢમાંથી નક્સલવાદીઓનો ખાત્મો નિશ્ચિત છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માર્ચ 2026 સુધીમાં છત્તીસગઢમાંથી નક્સલવાદીઓને ખતમ કરવાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે.
- છત્તીસગઢ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાંચ નક્સલવાદી મોસ્ટ વોન્ટેડ
- છત્તીસગઢમાં નક્સલી હુમલો, બે ઘાયલ જવાનોને એરલિફ્ટ કરાયા