નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સી.એસ. શેટ્ટીને દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના (SBI) ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. સીએસ શેટ્ટી હાલમાં બેંકના સૌથી વરિષ્ઠ MD છે. તેઓ 28 ઓગસ્ટે વર્તમાન ચેરમેન દિનેશકુમાર ખારાનું સ્થાન લેશે.
SBI નવનિયુક્ત ચેરમેન :સરકારી આદેશ અનુસાર કેબિનેટની નિમણૂક સમિતિએ (ACC) ચાર્જ સંભાળ્યાની તારીખથી ત્રણ વર્ષ માટે SBI ના ચેરમેન તરીકે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીને નિમણૂક કરવાના નાણાકીય સેવાઓ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
દિનેશકુમાર ખારા થશે નિવૃત્ત :દિનેશકુમાર ખારા 28 ઓગસ્ટના રોજ નિવૃત્ત થશે, જ્યારે તેઓ 63 વર્ષના થશે. SBI ચેરમેન પદ માટેની મહત્તમ વય મર્યાદા 63 વર્ષ છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBIમાં એક ચેરમેન છે, જેના સહાયકો ચાર MD છે.
નવા મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત :આ સિવાય સરકારે રાણા આશુતોષકુમાર સિંહને SBIમાં મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે. અન્ય એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આશુતોષકુમાર સિંહ હાલમાં DMD છે, તેઓ 30 જૂન, 2027 ના રોજ MD તરીકેનો કાર્યભાર સંભાળશે, જે નિવૃત્તિની ઉંમર છે.