નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં 85 નવી કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કેબિનેટે એક કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણને પણ મંજૂરી આપી છે.
85 નવી કેન્દ્રીય વિદ્યાલય ખુલશે :આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ નવી કેન્દ્રીય વિદ્યાલયો શરૂ થવાથી દેશના 82 હજારથી વધુ વિદ્યાર્થીઓ સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મેળવી શકશે. નિવેદન અનુસાર, 2025-26 સુધીના આઠ વર્ષના સમયગાળામાં એક વર્તમાન કેન્દ્રીય વિદ્યાલયના વિસ્તરણ ઉપરાંત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયની સ્થાપના માટે અંદાજે રૂ. 5,872.08 કરોડના ભંડોળની જરૂર છે. હાલમાં કેન્દ્રીય વિદ્યાલયની સંખ્યા 1,256 છે, જેમાંથી મોસ્કો, કાઠમંડુ અને તેહરાન એમ ત્રણ વિદેશમાં સ્થિત છે. આ શાળાઓમાં 13.56 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.