નવી દિલ્હીઃદિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે CBIને લેન્ડ ફોર જોબ કેસમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરવા માટે ફરીથી સમય આપ્યો છે. વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગણેએ 7 જૂન સુધીમાં અંતિમ ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બુધવારે સુનાવણી દરમિયાન સીબીઆઈ તરફથી હાજર રહેલા વકીલ ડીપી સિંહે કહ્યું કે, અંતિમ ચાર્જશીટ અંતિમ તબક્કામાં છે. અમે જૂનમાં ચાર્જશીટ દાખલ કરીશું. આના પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે, દરેક સુનાવણીમાં આવું જ થાય છે. તમે આવુ જ કહો છો. કોર્ટે કહ્યું કે કોર્ટની જૂનમાં રજા પડી રહી છે. તમે રજા પહેલા ચાર્જશીટ ફાઇલ કરો.
આ પહેલા પણ 9 મેના રોજ સીબીઆઈએ કહ્યું હતું કે, ચાર્જશીટ લગભગ તૈયાર છે અને ચાર્જશીટ દાખલ કરવામાં 15 થી 20 દિવસનો સમય લાગી શકે છે. 30 એપ્રિલે પણ કોર્ટે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ કરવા બદલ CBIને ફટકાર લગાવી હતી. સીબીઆઈ તરફથી હાજર રહેલા એડવોકેટ ડીપી સિંહે કહ્યું કે, અંતિમ ચાર્જશીટ લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ સીબીઆઈ અધિકારીઓ દ્વારા આંતરિક રીતે કેટલાક કાયદાકીય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી રહી છે. તેના પર કોર્ટે કહ્યું કે, અંતિમ ચાર્જશીટ માટે ત્રણ મહિનાનો સમય લેવામાં આવી રહ્યો છે. અંતિમ ચાર્જશીટ દાખલ ન થવાને કારણે ટ્રાયલ શરૂ થઈ રહી નથી. કોર્ટમાં કાર્યવાહી અટકી પડી છે. અનેક આરોપીઓની વિવિધ અરજીઓ પેન્ડીંગ છે.
તમને જણાવી દઈએ કે સીબીઆઈએ 6 માર્ચે આ કેસમાં ત્રીજી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી. પૂરક ચાર્જશીટમાં, સીબીઆઈએ ભોલા યાદવના નોકરી મેળવનાર બે ઉમેદવારો, અશોક કુમાર અને બબીતાને આરોપી તરીકે નામ આપ્યા છે. સીબીઆઈની સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે ભોલા યાદવ લાલુ યાદવના સચિવ રહી ચૂક્યા છે અને તે તમામ કામ જોતા હતા. ભોલા યાદવ જ અધિકારીઓને સૂચનાઓ આપતો હતો. સીબીઆઈએ ભોલા યાદવના કોમ્પ્યુટરમાંથી આ અંગેના દસ્તાવેજો મેળવ્યા છે. તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીએ સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે, તે આ કેસમાં દસ દિવસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરશે. સીબીઆઈએ આ કેસમાં ભોલા યાદવ અને હૃદયાનંદ ચૌધરીની ધરપકડ કરી હતી. ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી હતા.