દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ અંદાજીત રૂ. 18,036 કરોડ છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે. જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે. આ પરિયોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ન્યુ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે. જે વિસ્તારના લોકોને “આત્મનિર્ભર” બનાવશે. જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.
પીએમગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ:આ પ્રોજેક્ટ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે. જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સતત કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પરિયોજના અંતર્ગત 2 રાજ્યોના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ભારતીય રેલવેનાં વર્તમાન નેટવર્કમાં આશરે 309 કિલોમીટરનો વધારો થશે.
30 નવા સ્ટેશનોનું નિર્માણ કરાશે: આ પ્રોજેક્ટ સાથે 30 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે મહત્વાકાંક્ષી જિલ્લા બરવાનીને કનેક્ટિવિટીમાં વધારો કરશે. નવી લાઇન પ્રોજેક્ટ અંદાજે 1,000 ગામડાઓ અને આશરે 30 લાખની વસતિને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પરિયોજના મધ્ય ભારત સાથે દેશના પશ્ચિમ/દક્ષિણ-પશ્ચિમ ભાગ વચ્ચે ટૂંકો માર્ગ પ્રદાન કરીને પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહન આપશે. એનાથી શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સહિત ઉજ્જૈન-ઇન્દોર ક્ષેત્રનાં વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.