નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે એરસેલ-મેક્સિસ ડીલના મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે EDને નોટિસ આપીને જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી 2025માં થશે.
પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ચાર્જશીટની નોંધ લેવાના રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને પડકાર્યો છે. ચિદમ્બરમ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એન હરિહરને જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે કાર્યવાહી ચલાવવાની પરવાનગી લીધા વિના ચાર્જશીટ પર સંજ્ઞાન લીધું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જાહેર સેવક હતા, તેથી ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 197(1) ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી માટે પરવાનગી જરૂરી છે.
આનો વિરોધ કરતાં ED તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, આ અરજી મેન્ટેનેબલ નથી કારણ કે આ કેસમાં પરવાનગી લેવાની જરૂર નથી. તેમણે કહ્યું કે આ મામલામાં ચિદમ્બરમના કામ પર એવો આરોપ છે જે તેમના સત્તાવાર કામ સાથે સંબંધિત નથી. EDએ કહ્યું કે, આ કેસમાં કાર્યવાહી માટે પરવાનગી લેવાની જરૂર નથી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ મામલાની સુનાવણી 20 નવેમ્બરે ટ્રાયલ કોર્ટમાં થશે.