બેંગલુરુ:કર્ણાટકના બેંગલુરુ શહેરના જાહેર પરિવહન 'નમ્મા મેટ્રો'માં ખેડૂતના કથિત અપમાનનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના શહેરના રાજાજીનગર મેટ્રો સ્ટેશન પર બની હતી. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સુરક્ષા કર્મચારીઓએ કથિત રીતે એક ખેડૂતને મેટ્રોમાં ચડતા અટકાવ્યો કારણ કે તેણે ગંદા કપડા પહેર્યા હતા.
આ મામલે બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (BMRCL)એ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ઉગ્ર આક્રોશ બાદ આરોપી કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. ખેડૂતનું અપમાન કરતી મેટ્રો સ્ટાફનું વર્તન એક મુસાફરના મોબાઈલ ફોનમાં કેદ થઈ ગયું. ખેડૂતને અંદર ન જવા દેવાથી મેટ્રો સ્ટાફથી નારાજ થયેલા સાથી મુસાફરો આખરે સ્ટાફની પરવા કર્યા વિના ખેડૂતને અંદર લઈ ગયા. લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી અને BMRCLને ટેગ કરીને પૂછ્યું હતું કે શું માત્ર VIP માટે જ મેટ્રો છે.