નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટમાં બિઅંત સિંહ હત્યા કેસના દોષિતની દયા અરજી પર સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યું કે, આ મામલો સંવેદનશીલ છે. સર્વોચ્ચ અદાલતે વકીલોની દલીલો સાંભળ્યા પછી આ મામલે કેન્દ્રને જવાબ દાખલ કરવા માટે વધુ સમય આપ્યો હતો.
આ મામલો જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેંચ સમક્ષ આવ્યો હતો. સુનાવણી શરૂ થતાંની સાથે જ કેન્દ્ર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે.એમ નટરાજે બેંચને કહ્યું કે, સરકારને કેટલીક વધુ માહિતી મેળવવાની જરૂર છે અને આ વાત પર જોર આપ્યું કે આ મામલો સંવેદનશીલ છે.
નટરાજે કહ્યું, 'હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અનુકૂળ નથી. બાદમાં કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ આ મામલે બેંચ સમક્ષ હાજર થયા હતા. મહેતાએ કહ્યું કે, આ મામલે થોડી સંવેદનશીલતા છે. મહેતાએ કહ્યું કે, 'કેટલીક એજન્સીઓની સલાહ લેવી પડશે.' મહેતાની દલીલો સાંભળ્યા બાદ બેંચે રાજોઆનાની દયા અરજી પર નિર્ણય લેવા માટે કેન્દ્રને વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો.
પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસાના સભ્ય 57 વર્ષીય રાજોઆનાને પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા સાથે સંબંધિત કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે 18 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના સચિવને આદેશ આપ્યો હતો કે, રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજીને રજૂ કરવા અને આ મામલે 2 અઠવાડિયાની અંદર નિર્ણય લેવાની અપિલ કરે, જો કે, સોલિસિટર જનરલની વિનંતી પર, સર્વોચ્ચ અદાલતે તેના આદેશને મુલતવી રાખ્યો હતો.
મહેતાએ કોર્ટને વિનંતી કરી હતી કે, આ આદેશને અમલમાં ન આપવો જોઈએ. કારણ કે, આ મુદ્દામાં 'સંવેદનશીલતા' સામેલ છે અને કોર્ટને જાણ કરી હતી કે, આ ફાઇલ ગૃહ મંત્રાલય પાસે છે. રાષ્ટ્રપતિ સાથે નહીં. સર્વોચ્ચ અદાલતે મહેતાની વિનંતીને સ્વીકારી હતી અને કેસની આગામી સુનાવણી 25 નવેમ્બરે નક્કી કરી હતી.