હૈદરાબાદઃહૈદરાબાદના ઐતિહાસિક સ્થળોની લોકપ્રિયતા નવા મુકામે પહોંચી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના નવા અહેવાલ અનુસાર, ગોલકોંડા કિલ્લો અને ચાર મિનાર દેશના ટોચના 10 સૌથી વધુ મુલાકાત લેવાયેલા ઐતિહાસિક સ્થળોમાં શામેલ થઈ ગયા છે. આ વર્ષે સ્થાનિક પ્રવાસીઓની રેકોર્ડ-બ્રેક સંખ્યાએ હૈદરાબાદને સાંસ્કૃતિક પ્રવાસન નકશા પર વધુ મજબૂતીથી સ્થાપી દીધું છે.
ટોચ પર તાજમહેલ: ASIના 2023-24ના આંકડાઓથી જાણવા મળ્યું છે કે, સ્થાનિક પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્મારકોની યાદીમાં ગોલકોંડા કિલ્લો 6ઠ્ઠા ક્રમે છે. જ્યારે ચાર મિનાર 9મા સ્થાને છે. આ લિસ્ટમાં સૌથી ઉપર આગ્રાનો તાજમહેલ છે. જેને જોવા માટે 61 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા. કોવિડ પછી હૈદરાબાદનો પ્રવાસન ઉદ્યોગ પાછો પાટા પર આવી ગયો છે.
ફરી પાટા પર પ્રવાસન ઉદ્યોગ: આ આંકડાઓ તેલંગાણાના પ્રવાસન ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ માઈલ સ્ટોન સાબિત થઈ રહ્યા છે. કોવિડ-19 રોગચાળા પછી 30% નો નોંધપાત્ર વધારો થયો છે. હૈદરાબાદના સમૃદ્ધ ઈતિહાસ, સ્વાદિષ્ટ ભોજન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મિશ્રણે પ્રવાસીઓને તેના સાંસ્કૃતિક કેન્દ્રો તરફ પાછા આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.