નવી દિલ્હી :દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે આરોપ છે કે દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હતી.
DCW કર્મચારીઓને દૂર કર્યો :દિલ્હી લેફ્ટનન્ટ ગવર્નરના આદેશમાં DCW એક્ટને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કમિશનમાં માત્ર 40 પોસ્ટ જ મંજૂર છે. દિલ્હી મહિલા આયોગ પાસે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવાનો અધિકાર નથી. દિલ્હી મહિલા આયોગના એડિશનલ ડાયરેક્ટર તરફથી જાહેર કરાયેલ આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે, નવી નિમણૂક પહેલા આવશ્યક પોસ્ટનું કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું, ન તો વધારાના નાણાકીય બોજ માટે પરવાનગી લેવામાં આવી હતી. ફેબ્રુઆરી 2017માં તત્કાલિન લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરાયેલ તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
સ્વાતિ માલીવાલ ભડક્યા :દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે LG પર કમિશનને બંધ કરવાનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે, એલજી સાહેબે DCW ના તમામ કોન્ટ્રાક્ટ સ્ટાફને હટાવવા માટે તુઘલકી ફરમાન બહાર પાડ્યું છે. હાલ મહિલા આયોગમાં કુલ 90 કર્મચારીઓ છે, જેમાંથી સરકાર દ્વારા માત્ર 8 લોકોની ભરતી કરવામાં આવી છે, બાકીના દરેક 3 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે. જો તમામ કોન્ટ્રાક્ટ સ્ટાફને હટાવી દેવામાં આવશે તો મહિલા આયોગને તાળા લાગી જશે.
આ લોકો આવું કેમ કરી રહ્યા છે ? આ સંસ્થા લોહી અને પરસેવાથી બનેલી છે. તેને સ્ટાફ અને રક્ષણ આપવાને બદલે તમે તેને મૂળમાંથી ખતમ કરી રહ્યા છો ? મને જેલમાં નાખો, પરંતુ મહિલાઓ પર અત્યાચાર ન કરો ! જ્યાં સુધી હું જીવિત છું, ત્યાં સુધી હું મહિલા આયોગને બંધ નહીં થવા દઉં. મને જેલમાં નાખો, મહિલાઓ પર અત્યાચાર ન કરો.
કોણ છે સ્વાતિ માલીવાલ ? તમને જણાવી દઈએ કે સ્વાતિ માલીવાલને વર્ષ 2015માં આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી 2024માં સ્વાતિ માલીવાલે કમિશનના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અરવિંદ કેજરીવાલે તેમને આમ આદમી પાર્ટી વતી રાજ્યસભામાં સાંસદ પદ માટે નામાંકિત કર્યા હતા. દિલ્હી મહિલા અને બાળ વિકાસ વિભાગે (DWCD) 29 એપ્રિલે દિલ્હી મહિલા આયોગને (DCW) આ સંદર્ભે આદેશ મોકલ્યો છે.
આદેશમાં શું કહેવામાં આવ્યું ? તપાસ કમિટીને જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટના ધોરણે કરવામાં આવેલી 223 ભરતી નિયમો અનુસાર નથી. DCW દ્વારા કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક નિયત નિયમો મુજબ અનિયમિત હતી. આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું અને એલજીની મંજૂરી લેવામાં આવી ન હતી. વધુમાં, DCW કર્મચારીઓના મહેનતાણા અને ભથ્થામાં વધારો પૂરતા વ્યાજબી અને નિર્ધારિત પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યો હતો, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
સ્વાતિ માલીવાલ પર શું આરોપ ?સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. જાન્યુઆરી મહિનામાં આમ આદમી પાર્ટી તરફથી તેમને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હી મહિલા આયોગમાં અધ્યક્ષનું પદ ખાલી છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે અધ્યક્ષ તરીકે સ્વાતિ માલીવાલના કાર્યકાળ દરમિયાન નિયમોની અવગણના કરીને આ ભરતી કરવામાં આવી છે.
- 'મારા પિતાએ મારું યૌન શોષણ કર્યું, પરિવારે મને આ આઘાતમાંથી બહાર કાઢવામાં મદદ કરી': સ્વાતિ માલીવાલ
- Delhi News : દિલ્હીમાં કાયદા અને વ્યવસ્થાની બગડતી સ્થિતિ માટે LG જવાબદાર - અરવિંદ કેજરીવાલ