અરવલ્લીમાં કોરોના મહામારીમાં માર્કેટ યાર્ડમાં કામ કરતા 70 જેટલા મજૂરો બેરોજગારીના આરે
માલપુરઃ અરવલ્લી જિલ્લાના માલપુરમાં વર્ષોથી મજુરી કરી આ મજુરો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કોરોના મહામારીમાં કેટલાય મહિનાઓથી બેકાર બેસી રહેલા આ મજુરો પર હવે બીજી આફત આવી છે. માલપુર ખાતે આવેલા ખેતીવાડી બજારમાં વર્ષોથી મજૂરી કરી પેટીયુ રળતા સ્થાનિક મજૂરો પર હવે બેરોજગારીની તલવાર લટકી રહી છે. ટેકાના ભાવે અનાજનુ વેચાણ કરતી એજન્સી દ્વારા બહારથી મજૂરો લાવવાની હિલચાલ થતા સ્થાનિક શ્રમિકોમાં આક્રોશ ફેલાયો છે . ટેકાના ભાવે ખરીદી કરતી એજન્સીએ બહારથી શ્રમિકો લાવવાની તજવીજ હાથ ધરતા 70 જેટલા શ્રમિકોનો રોજગાર છીનવાઇ જવાનો ભય સેવાઇ રહ્યો છે. માર્કેટયાર્ડમાં વર્ષોથી મજૂરી કરતા સ્થાનિક મજૂરોની માંગ છે કે કોરોના મહામારીના સમયે જ્યારે બજારમાં અન્ય રોજગારીની તકો નથી ત્યારે તેમને પ્રાથમિતા આપવામાં આવે. આ અંગે સમાજ સેવક લાલજી ભગતની આગેવાનીમાં મામલતદાર, ખેતીવાડી ચેરમેન, સેક્રેટરી અને માલપુરના ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.