- PTSD શું છે?
“PTSD એ મુખ્યત્વે જીવનમાં લાગતા આઘાતને કારણે લાગતો સાઇકોલોજિકલ ટ્રોમા છે. વ્યક્તિ માટે આ સમય ઘણો પીડાદાયક હોય છે. અને શારીરિક ઇજા, જાતીય હિંસા, પ્રિયજનના આકસ્મિક મોત, જીવન પર ગંભીર સંકટ વગેરે જેવી પરિસ્થિતિનો અનુભવ કે સામનો કરવાને કારણે વ્યક્તિ તેનો ભોગ બની શકે છે,” તેમ ડો. વીણા ક્રિષ્નને જણાવ્યું હતું. આ ઘટનાઓ જીવન બદલી નાંખનારી હોય છે અને વ્યક્તિનું દિમાગ તેની અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. અમારા નિષ્ણાતે આ બિમારીનાં કેટલાંક નીચે પ્રમાણેનાં લક્ષણો જણાવ્યાં છેઃ
- વ્યક્તિનો સ્વભાવ ચીઢિયો થઇ જાય છે અને તેને એકાગ્રતા સાધવામાં મુશ્કેલી પડે છે.
- વ્યક્તિ લોકોથી અંતર રાખે છે અથવા તો વધુ હળતી-મળતી નથી.
- આઘાત ઉપજાવનારી સ્થિતિ કે ઘટના વિશે વાત કરવાનું સદંતર ટાળે છે.
- ઊંઘ, ભૂખ અને તરસ ન લાગવી.
- અપરાધભાવ, શરમ અને વ્યગ્રતાની લાગણી થવી.
- નકારાત્મક લાગણી રાખવી અને નાની-નાની બાબતોમાં વ્યગ્ર થઇ જવું.
- ઊંઘવામાં મુશ્કેલી થવી
ટ્રોમા (આઘાત)ની અવાર-નવાર યાદ આવવી, દુઃસ્વપ્નો આવવાં અને તે ઘટનાના સ્મરણથી મન વ્યથિત થઇ જવું, આઘાતજનક ઘટના સાથે સંકળાયેલા લોકો કે સ્થળોની ઉપેક્ષા કરવી, અતિસંવેદનશીલતા, વગેરે તેનાં મુખ્ય લક્ષણો છે.
- કોવિડ-19 કેવી રીતે PTSD સાથે સંકળાયેલો છે?
ડો. ક્રિષ્નન સમજાવે છે કે, કોરોનાની બિમારી ઘણી અનિશ્ચિતતાથી ભરેલી હોય છે. અને જ્યારે પણ અનિશ્ચિતતા હોય, ત્યારે ચિંતા અને ભયની લાગણી વિકાસ પામે છે. તે ભયને પગલે હૃદયના ધબકારા વધી જાય છે, બ્લડપ્રેશર વધે છે, હથેળીમાં પરસેવો થાય છે. આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ તેનો પ્રતિસાદ આપે છે. મહામારી દરમિયાન જ્યારે વ્યક્તિએ ઘણાં લોકોનાં આ બિમારીને કારણે મોત નીપજતાં, ક્વોરન્ટાઇન થતાં જોયાં હોય અને આપણાં પ્રિયજનોને તે બિમારીથી પીડાતાં જોયાં હોય, ત્યારે વ્યક્તિનું દિમાગ સજાગ થઇ જાય છે.
જ્યારે લોકો તેમના પરિવારમાં બિમારીને કારણે મોત નીપજતાં કે સ્વજનને મોતના મુખમાંથી પરત ફરતાં જુએ, ત્યારે તેમને બિમારીનો ભોગ બનવાનો કે બિમારીના વાહક બનવાનો ભય સતાવે છે, હોસ્પિટલમાં દાખલ થવાનો ભય લાગે છે, વાઇરસના ભારે સંક્રમણનો ભય લાગે છે, આ તમામ સંજોગોને કારણે મહામારી ઘણાં લોકોના જીવનમાં આઘાતજનક ઘટના બની છે. આ સ્થિતિનો અનુભવ કરનારા ઘણાં લોકોમાં PTSD જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં.
- PTSDની સારવાર
PTSDના કેસમાં તેનાં લક્ષણોને સ્વીકારીને પ્રોફેશનલની મદદ લેવી અત્યંત જરૂરી બની રહે છે, તેમ ડો. ક્રિષ્નન જણાવે છે. જુદા-જુદા દર્દીઓની PTSDની સારવાર મામલે ભિન્નતા પ્રવર્તી શકે છે. આ સ્થિતિની સારવારની કેટલીક પદ્ધતિઓમાં ડીપ રિલેક્સેશન થેરેપી, સિંગલ કે ગ્રૂપ સાઇકોથેરેપી, એક્સપોઝર થેરેપી, ટોક થેરેપી અને કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ થેરેપીનો સમાવેશ થાય છે. આ સિવાય ધ્યાન પણ ઉપયોગી નીવડે છે.
આ બિમારીથી પીડાતી વ્યક્તિના પરિવારજનો અને મિત્રો અત્યંત ધૈર્યપૂર્વક અને શાંતિથી તેનો ઉપચાર કરે તથા તેની સાથે વાત કરે, તે અત્યંત આવશ્યક છે. આવા દર્દીઓની આસપાસ ખુશનુમા વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરો અને હંમેશા સકારાત્મક બાબતો વિશે વાત કરો. આમ કરવાથી તેમને સારૂં લાગશે. આમ, આ ડિસોર્ડરની સમયસર સારવાર કરવાથી સ્થિતિને વધુ બગડતી અટકાવી શકાય છે. જો તમને ઉપર જણાવ્યા પૈકીના કોઇપણ લક્ષણનો અનુભવ થાય, તો પ્રોફેશનલની સહાય મેળવો.