વાપીઃ દશામા ગૃપ મહિલા મંડળ દ્વારા ફાગળ સાતમના શીતળા સાતમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ મહિલાએ સમુહમાં એકઠા થઇને માતાજીને શીતળ કર્યા હતાં. આ પ્રસંગે મહિલાઓએ જણાવ્યું હતું કે, દેશમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસથી માતાજી તેમને બચાવશે તેવી શ્રદ્ધા છે એટલે સમુહમાં એકઠા થયા બાદ પણ કોરોનાનો ડર લાગતો નથી.
વાપીમાં રાજસ્થાની પરિવારોની મહિલાઓએ શીતળા સાતમ પર્વની ઉજવણી કરી શીતળા માતાજીની પૂજા કરી હતી. મહિલાઓએ ટાઢું ભોજન લાવી માતાજીને શીતળ કર્યા હતાં અને પરિવારમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે કામના કરી હતી. આ પ્રસંગે હાલમાં કોરોના વાયરસને કારણે સમૂહમાં ભેગા નહીં થવાના આરોગ્ય વિભાગના સૂચનો અંગે જણાવ્યું હતું કે, જે માતાજી પ્રત્યે વર્ષોથી આરોગ્યની જ કામના કરવામાં આવે છે, ત્યારે તે માતાજીના પર્વમાં ભેગા થવામાં ડર કેવી રીતે લાગે.
શીતળા માતાજીની સાતમની ઉજવણી નિમિતે વાપીમાં વસતા અને રાજસ્થાનની આ મહિલાઓએ 10 દિવસનો ઉપવાસ કર્યો હતો. દશામાં ગ્રુપની તમામ મહિલાઓએ સાતમના સમૂહમાં એકઠી થઈ શીતળા માતાજીની પૂજા અર્ચના કરી હતી. જેમાં મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, જો માતાજીના ધૂપ કરવાથી જે ધુમાડો ઉત્પન્ન થાય છે તેનાથી મચ્છર જેવા જંતુઓનો નાશ થાય છે તો કોરોના વાયરસના જંતુઓનો પણ નાશ થવો જોઈએ એવી અમારી માન્યતા છે. જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કદાચ સાચી ના પણ હોય, પરંતુ અમારી માન્યતા છે અને અમને માતાજી પર પૂર્ણ વિશ્વાસ છે. એટલે કોરોના વાયરસનો અમને જરા પણ ડર નથી.