વલસાડઃ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના કેસને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં હવેથી દરેક જગ્યા પર ચાર વાગ્યે દુકાનો બંધ કરવા અને દરેક બજારો ચાર વાગ્યે બંધ કરી દેવા જણાવ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના હોલસેલ વેપારી મંડળે હોલસેલની દુકાનો 2:00 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનું મહત્વનો નિર્ણય કર્યો છે.
વલસાડ જિલ્લા હોલસેલ વેપારી મંડળ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને લઈને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને હોલસેલ બજારની દુકાનો સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે દિવસમાં એક સાથે પંદરથી સોળ જેટલા કેસ જિલ્લામાં નોંધાઈ રહ્યાં છે. જેથી હોલસેલના વેપારીઓએ હોલસેલ બજારમાં લોકો વધુ એકત્ર ન થાય અને સંક્રમણ ન વધે તેવા હેતુથી સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે વાત કરતાં વેપારી મંડળના પ્રમુખે જણાવ્યું હતું કેે, "ગ્રાહકોએ કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં અનાજ અને તમામ ચીજવસ્તુઓ મોજુદ છે. તમામ લોકોને અપીલ છે કે, બજારમાં આવે ત્યારે સરકારના નિયમોનું પાલન કરે અને ફરજિયાતપણે માસ્ક પહેરીને બજારમાં આવે."
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 262 કેસ નોંધાયા છે. હાલમાં 149 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 99 લોકો સાજા થયા છે. છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.
મંગળવારના રોજ એક સાથે 23 જેટલા કેસો સામે આવ્યા છે. જેને લઇને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં છે, ત્યારે હોલસેલ વેપારી મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યાં છે.