વલસાડ : કપરાડા તાલુકામાં 40 ગામ છે. જ્યાં દર વર્ષે પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવે છે. જેમાં જૂન માસની 20 તારીખ પૂર્ણ થયા બાદ દરેક ગામોમાં પીવાના પાણીની એટલી ગંભીર સમસ્યા સર્જાય છે કે મહિલાઓની જિંદગી કરતા પાણીની બુંદ વધુ કિંમતી બની જાય છે. વાત તો એ હદ સુધી થઇ જાય છે કે જીવન જોખમે મહિલાઓ પાણી મેળવે છે.
મોટી પલસણ ગામે આવેલા કરંજલી ફળીયામાં અંદાજિત 200 ઘર આવેલા છે. અહીં ત્રણ ફળીયા છે. આ તમામ ફળીયા વચ્ચે એક કૂવો છે પણ જૂન પૂર્ણ થતાં કુવાનું પાણી સુકાઈ જાય છે અને આ તમામ મહિલાઓની મુશ્કેલીના દિવસો શરૂ થાય છે. પોતાના ઘરથી અંદાજિત 3 કીમી દૂર ડુંગર ઉપર પથ્થર ખોદીને બનાવેલા કૂવામાં માત્ર ખોબા જેટલી જગ્યામાં એક નાનકડા ઝરણમાંથી પાણી લેવા તમામએ લાઇનમાં ઉભા રહેવું પડે છે. એટલું જ નહીં પાણી લેવા મહિલાએ આ કૂવામાં જીવના જોખમે ઉતરવું પડે છે. કુવાની આસપાસ ન કોઈ ધાર છે કે ન કોઈ દીવાલ માત્ર એક લાકડાની આડશમાં દોરડા બાંધીને રાખ્યા છે જેના દ્વારા મહિલાઓ ઉતરી શકે છે જે રીત પણ ખૂબ જ જોખમી છે. તેમાં પણ ઇન્તજાર તો એ વાત નો થાય છે કે એક બેડુ ભરતા મહિલાઓને એક કલાક જેટલો સમય પસાર થઇ જાય છે, ત્યારે અન્ય મહિલાઓનો વારો આવે છે. દરેક મહિલાએ પાણી લેવા વહેલી સવારે 4 કલાકે પહોંચવુ પડે છે.
નોંધનીય છે કે સરકાર દ્વારા દર વર્ષે કપરાડા તાલુકાના ગામોમાં ઉનાળા દરમિયાન પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા ટેન્કરો દ્વારા કરવામાં આવે છે. પરંતુ કેટલાક કોન્ટ્રકટ્રરો દ્વારા ટેન્કરોના ફેરા નાખવામાં કચાશ રાખવામાં આવતા અનેક ગામોમાં ઘણી વાર ટેન્કરો જતા ન હોવાનું પણ બુમાબુમ ઉઠે છે, ત્યારે આવા ગામમાં સત્વરે પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે.
ઉલ્લેખનીય છે કે કપરાડા તાલુકામાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે 586 કરોડની અસ્ટોલ પાણી પુરવઠા યોજના અમલમાં છે, પરંતુ તે પૂર્ણ થતાં 2021 જૂન આવી થશે, ત્યાં સુધી અહીંના 40 ગામોના લોકોની પીવાના પાણીની સમસ્યા કોણ દૂર કરશે ? તેવા વેધક પ્રશ્નો ઉઠી રહ્યા છે.