સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા દેશના 100થી વધુ શહેરોમાં હવા-પાણીની ગુણવત્તા ચકાસવા માટે ખાસ મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે. હવાનું પ્રદૂષણ ઓટોમેટિક મશીન દ્વારા માપવામાં છે. જેમાં AQIને PP (પ્રોમિનન્ટ પોલ્યુટન્ટ) pm 2.5ને ખરાબથી અતિ ખરાબ ગણવામાં આવે છે. જેને જોતા વાપીમાં એર ક્વૉલીટી ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે.
12મી ડિસેમ્બરે વાપીમાં AQI 341 પર અતિ ખરાબ આંકડે પહોંચી ગયો હતો. એ સાથે જ વાપી અતિ ખરાબ હવાની ગુણવત્તામાં ગુજરાત રાજ્યનું પ્રથમ શહેર બન્યું છે. જયારે 337 AQI સાથે વટવા બીજા નંબરે રહ્યું છે. એર પૉલ્યુશન રીડીંગ મશીન દ્વારા દર્શાવતા ખતરનાક પ્રદૂષણના પ્રમાણથી લોકોમાં દહેશતનું વાતાવરણ સર્જાયું છે, ત્યારે હાલ, શિયાળાની હોવાથી હવાની ગુણવત્તામાં વધારો વર્તાતો હોવાની ધારણા બંધાઈ છે.
હવાની ગુણવત્તા કુલ 6 કેટેગરીમાં માપવામાં આવે છે. જેમાં એર ક્વૉલીટી ઇન્ડેક્સ (AQI) જો 1 થી 50 સુધી હોય તો તેને સારી કેટેગરી ગણવામાં આવે છે. 50થી 100 AQIને સંતોષકારક ગણાય છે. જેમાં સંવેદનશીલ લોકોને શ્વાસની તકલીફ વર્તાય છે, 100થી 150 AQI હોય તો તેને મધ્યમ ગણાય છે. જેમાં ફેફસાં, અસ્થમા અને હૃદય રોગવાળા લોકોને શ્વાસની તકલીફ વર્તાય છે. 200થી 300 AQI ખરાબ ગણવામાં આવે છે. જેમાં લાંબા સમય સુધીનો હવાનો સંપર્ક લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરે છે. 300થી 400 AQIને અતિ ખરાબ ગણવામાં આવે છે. જેનાથી શ્વાસનતંત્રની ગંભીર બીમારીઓ થઈ શકે છે. જ્યારે 400 થી 500 વચ્ચેનો AQI ખૂબ જ ગંભીર ગણવામાં આવે છે. આમ, આવી પ્રદૂષિત હવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે.
ઉલ્લેખીનીય છે કે, દેશના અન્ય શહેરોમાં ટોપ ટેનમાં પ્રથમ નંબર પર ગાઝિયાબાદમાં 467 AQI, બુલંદશહેરમાં 444, પાનીપત માં 440, નોઈડામાં 434, બાગપત 432, દિલ્હી 430, ગ્રેટર નોઈડા 423, પટના 402 AQI સાથે હવાનું ગંભીર પ્રદૂષણ ધરાવતા શહેરોની યાદીમાં પહોંચ્યા છે. જ્યારે ગુરુગ્રામ 395 AQI, મિરૂટ 391 અતિ ખરાબ AQI પર છે.